આચાર્યાનો રોચક પ્રયોગ સામે આવ્યો છે. જેમાં સુરતની 1,400 વિદ્યાર્થિની નૃત્ય-ગીતના સહારે ગણિત શીખી રહી છે. તેમજ ગાણિતિક ચિહ્નોની મૂંઝવણ ઉકેલવા થયેલા પ્રયોગ બાદ પરિણામમાં 59.44 ટકાનો સુધારો થયો છે. તેમજ આચાર્યા અનિષા મહિડાના પ્રોજેક્ટની રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી કરવામાં આવી છે. તથા ધોરણ-9 અને 10ની વિદ્યાર્થિનીઓને આવરી લઇને વિશેષ અભ્યાસ હાથ ધરાયો હતો.
આ પણ વાંચો: અમદાવાદ ઝોનની સ્કૂલોને ફી વધારવાનું મોકળું મેદાન મળી ગયું, જાણો કેમ
આ પ્રોજેક્ટ રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી પામ્યો
કોરોના મહામારી વેળા અંદાજે બે વર્ષ સુધી ઓનલાઈન ભણેલા વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રેક્ટિકલ વિષયો સંબંધિત અનેક મૂંઝવણ, મુશ્કેલીઓ સર્જાઇ હતી. જેમાં હવે સુરતની શાળાના આચાર્યાએ વિદ્યાર્થીઓમાં વધેલી ગાણિતિક ચિહ્નોની મૂંઝવણ ઉકેલવા રોચક પ્રયોગ કર્યો છે. સુરતની 1400 વિદ્યાર્થિનીઓને નૃત્ય અને ગીતના સહારે ગણિત, સરવાળા-બાદબાકીની આંટીઘૂંટીના ઉકેલનો માર્ગ દેખાડયો છે. અઠવાલાઇન્સ સ્થિત સર વિ.ડી.ટી.ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્યા અનિષા મહિડાએ તૈયાર કરેલો આ પ્રોજેક્ટ ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં યોજાનારા રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી પામ્યો છે.
1400 વિદ્યાર્થિનીઓ પૈકી 499 એટલે કે 35.7 ટકા વિદ્યાર્થિનીના 33 ટકાથી વધુ ગુણ આવ્યા
આચાર્યા અનિષા મહિડાએ તૈયાર કરેલા પ્રોજેક્ટ પર નજર કરીએ તો, ગાણિતિક ચિહ્નોની ગેરસમજને જોતાં ધોરણ-9 અને 10ની વિદ્યાર્થિનીઓને આવરી લઇને વિશેષ અભ્યાસ હાથ ધરાયો હતો. પ્રયોગના આરંભે વિદ્યાર્થિનીઓની 25 ગુણની લેખિત કસોટી લેવાઇ હતી. તેમાં 7 ગુણના હેતુલક્ષી પ્રશ્નો, 8 ગુણના અતિ ટૂંક જવાબી પ્રશ્નો, 6 ગુણના ટૂંક જવાબી પ્રશ્નો, 4 ગુણના લાંબા પ્રશ્નોનો સમાવેશ કરાયો હતો. આ કસોટીમાં 1400 વિદ્યાર્થિનીઓ પૈકી 499 એટલે કે 35.7 ટકા વિદ્યાર્થિનીના 33 ટકાથી વધુ ગુણ આવ્યા હતા. ત્યારબાદ આચાર્યાએ તૈયાર કરેલા ગીત ‘વારતા રે વારતા, ચિહ્નોની વારતા..’ અને નૃત્યની તકનીક દ્વારા વિદ્યાર્થિનીઓને ગણિત, ગાણિતિક ચિહ્નોની સમજણ આપવામાં આવી હતી.
નૃત્યગીતના ઉપયોગ પછી વધારાના 13.84 ટકાનો સુધારો નોંધાયો
વિદ્યાર્થિનીઓ પોતાના અભ્યાસક્રમમાં આ તકનીકનો ઉપયોગ કરી શકે એ માટે પણ વિશેષ સાહિત્યની રચના કરી, પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. ગાણિતિક ચિહ્નોની સમજ કાયમી જળવાઇ રહે તે માટે નૃત્યગીત દ્વારા 7, 14, 21 અને 28માં દિવસે પુનરાવર્તન કરાવાયું હતું. સમગ્ર પ્રયોગ બાદ વિદ્યાર્થિનીઓની ફરી કસોટી લેતા પરિણામમાં સીધો 59.44 ટકાનો સુધારો નોંધાયો હતો અને હવે 1400માંથી 1332 વિદ્યાર્થિનીનું 33 ટકાથી વધુ પરિણામ આવ્યું હતું. મોડલના ઉપયોગ પછી પરિણામમાં 45.6 ટકાનો અને નૃત્યગીતના ઉપયોગ પછી વધારાના 13.84 ટકાનો સુધારો નોંધાયો હતો.
શહેર-ગ્રામ્ય વિસ્તારની 20 શાળામાં અમલ
આચાર્યા અનિષા મહિડાએ તૈયાર કરેલા ઇનોવેશન પ્રોજેક્ટની રાજ્યકક્ષાના પ્રોજેક્ટ ફેર માટે પસંદગી થઇ છે. એટલું જ નહીં, સુરત ડાયેટ તરફથી આ પ્રોજેક્ટમાં વધુ સંશોધન માટે મંજૂરી આપવામાં આવી છે. તેમજ સુરત મહાનગરપાલિકા સંચાલિત 10 અને ગ્રામ્ય વિસ્તારની 10 એમ 20 શાળામાં આ પ્રોજેક્ટ પ્રમાણે વિદ્યાર્થીઓને ગણિત શીખવવામાં આવશે. આ માટે સોમવારે 20 ફેબ્રુઆરીએ શિક્ષકોની તાલીમ રાખવામાં આવી છે. વળી, વનિતા વિશ્રામની જ 3 ઉચ્ચ પ્રાથમિક શાળામાં તેનો પ્રયોગ ચાલુ છે.