ટોપ ન્યૂઝવર્લ્ડ

બાંગ્લાદેશ ડેપો બ્લાસ્ટ થતા 16 લોકોના મોત, 450થી વધુ ઘાયલ

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બાંગ્લાદેશના દક્ષિણ-પૂર્વીય શહેર ચિત્તાગોંગના એક ડેપોમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 16 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 450થી વધુ લોકો ઘાયલ થયા છે.

ચિત્તાગોંગ જિલ્લાના સીતાકુંડ શહેરમાં કન્ટેનર સ્ટોરેજ ફેસિલિટીમાં આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટર્સને બોલાવવામાં આવ્યા બાદ વિસ્ફોટ થયો હતો. ઘાયલોની સારવાર કરી રહેલા હોસ્પિટલના એક ડૉક્ટરે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ઘાયલોમાંથી 20 લોકોની હાલત ગંભીર છે અને તેમના શરીરનો 60% થી 90% ભાગ દાઝી ગયો છે.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ડેપોના કેટલાક કન્ટેનરમાં કેમિકલ હોવાનું માનવામાં આવે છે. જેમાં આગના કારણે આ ભયાનક વિસ્ફોટ થયો છે.

સ્થાનિક સમાચાર આઉટલેટ પ્રોથોમાલો અનુસાર, વિસ્ફોટથી નજીકની ઘણી ઇમારતોની બારીઓ તૂટી ગઈ હતી અને 4 કિમી (2.4 માઇલ) દૂરના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા.

ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, ચિત્તાગોંગના સિવિલ સર્જન મોહમ્મદ ઇલ્યાસ હુસૈનએ જણાવ્યું હતું કે, ‘મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે. ઘાયલોમાં ફાયર ફાઇટર્સ સહિત પોલીસ કર્મીઓ પણ સામેલ છે.’

ડોક્ટરની રક્તદાન કરવાની અપીલ
સિવિલ સર્જન મોહમ્મદ ઇલ્યાસ હુસૈન, ચિત્તાગોંગ ડેપોના ડાયરેક્ટર મુજીબુર રહેમાને એએફપીને જણાવ્યું હતુ કે, ‘વિસ્ફોટના કેટલાક કલાકો પછી પણ ફાયર ફાઇટર્સ રવિવાર, 5 જૂનની સવારે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ડેપોમાં લગભગ 600 લોકો કામ કરે છે.’

સિવિલ સર્જન મોહમ્મદ ઇલ્યાસ હુસૈને જિલ્લાના તમામ તબીબોને પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરવા વિનંતી કરી છે અને ઈમરજન્સી રક્તદાન માટે પણ હાકલ કરી છે.

પહેલાં પણ આવી ઘટના બની છે
બીબીસીના અહેવાલ મુજબ બાંગ્લાદેશમાં આગની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ગયા વર્ષે દેશના દક્ષિણમાં એક બોટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 39 લોકો માર્યા ગયા હતા. તે વર્ષની શરૂઆતમાં, રાજધાની ઢાકા નજીક રૂપગંજમાં એક ફેક્ટરીમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા હતા.

2020માં ચટગાંવથી દૂર પટેંગામાં અન્ય કન્ટેનર સ્ટોરેજ ડેપોમાં તેલની ટાંકી વિસ્ફોટ થતાં ત્રણ કામદારો પણ માર્યા ગયા હતા.

 

Back to top button