આજે વર્ષની પહેલી સોમવતી અમાસઃ જાણો તેનું મહત્ત્વ અને શુભ મુહુર્ત
આજે મહા મહિનાની અમાસ છે. હિન્દુ ધર્મમાં અમાસનું ખુબ જ મહત્ત્વ હોય છે. તેમાંય જ્યારે સોમવતી અમાસ હોય તો તેનું મહત્ત્વ અનેક ગણુ વધી જતુ હોય છે. સોમવારે પડતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની અને મહાદેવજીની પુજા કરવામાં આવે છે. આજે પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ પણ કરવામાં આવે છે. અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ખુબ મહત્ત્વ હોય છે. નદીમાં સ્નાન બાદ સુર્યને અર્ધ્ય આપીને પિતૃઓનુ તર્પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાસના દિવસે મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.
સોમવતી અમાસની પૂજા વિધિ
આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. શક્ય હોય તો પવિત્ર નદીઓમાં સ્નાન કરો. ઘરના મંદિરમાં દીપ પ્રજ્વલિત કરો. સોમવતી અમાસે ઉપવાસ કે એકટાણું રાખવાનું પણ ખુબ મહત્ત્વ હોય છે. ભગવાન શિવની આરાધના કરીને તેમને ભોગ લગાવો. ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પણ આરતી કરો. આ દિવસે તમે આખો દિવસ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકો છો. આ દિવસે લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પુજા કરવાનું પણ શુભ માનવામાં આવે છે. તમે આ દિવસે ઉપવાસ પણ રાખી શકો છો. દાન અને તર્પણ પણ કરી શકો છો.
મુહુર્ત
અમાસનો પ્રારંભ 19 તારીખે સાંજે 4.18 વાગ્યાથી થશે, જે 20 ફેબ્રુઆરીએ બપોરે 12.35 વાગ્યે પુર્ણ થશે.