નિક્કી-સાહિલના થઈ ગયા હતા લગ્ન, હત્યા કેસમાં નવો ખુલાસો
દિલ્હીના નિક્કી યાદવ મર્ડર કેસમાં દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે કે નિક્કી અને સાહિલ ગેહલોત લિવ-ઈનમાં રહેતા ન હતા, ચોંકાવનારી વાત તો એ છે કે બંનેએ વર્ષ 2020માં જ લગ્ન કર્યા હતા. હવે નિક્કી યાદવની માતાએ આ મામલે વાત કરતા પોતાની પુત્રીને ન્યાય અપાવવા માટે અરજી કરી છે.
આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં સાહિલ ગેહલોતના પિતા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર ષડયંત્રમાં મદદ કરવાનો આરોપ છે. નિકીની માતાનું કહેવું છે કે તેને સાહિલ અને નિક્કી વિશે બિલકુલ ખ્યાલ નહોતો. તે લોકો લગભગ 9 વર્ષથી નજફગઢમાં રહે છે. જો તેને નિક્કી અને સાહિલ વિશે ખબર હોત તો આજે આવું ન થયું હોત.
આ પણ વાંચોઃ સ્મશાનના પાર્કિંગમાં નિક્કી યાદવની હત્યા કરવામાં આવી, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કર્યો મોટો ખુલાસો
‘9 ફેબ્રુઆરીએ નિક્કી સાથે વાત કરી’
નિક્કીની માતાએ કહ્યું કે આજનો યુગ છોકરીને દબાવવાનો નથી. જો સાહિલ અને તેનો પરિવાર અમારા માટે યોગ્ય હોત તો અમે સમાજની સામે તેમના લગ્ન કરાવી શક્યા હોત, પરંતુ એવું ન થયું. તેમણે 9 ફેબ્રુઆરીએ નિક્કી સાથે ફોન પર વાત કરી હતી. તે ખુશ હતી. નિક્કી સાથે કંઇક ખરાબ થશે તેવું તે સમયે તેના મનમાં બિલકુલ પણ નહોતું.
આ પણ વાંચોઃ નિક્કી યાદવ હત્યા કેસઃ PM રિપોર્ટમાં ખુલાસો, પોલીસને મળ્યા 2 CCTV ફૂટેજ
‘લગ્ન વિશે કંઈ ખબર નથી’
નિક્કીની માતાએ જણાવ્યું હતું કે નિક્કી જાન્યુઆરીમાં ઘરે આવી હતી અને 10 દિવસ રોકાયા બાદ જતી રહી હતી. આર્ય સમાજ મંદિરમાં નિક્કી અને સાહિલના લગ્ન થયા તે વિશે પરિવારના લોકો કંઈ જાણતા નથી. તેણે કહ્યું કે આ બદમાશોએ અમારી દીકરીની હત્યા કરી છે, પરંતુ જો આ લોકોએ અમારી સાથે વાત કરી હોત તો આજે આ બધુ ન થાત. નિક્કીની માતાએ કહ્યું કે આરોપીને ફાંસી થવી જોઈએ.