નેશનલ ડેસ્કઃ આ વખતે ચારધામ યાત્રામાં આવનારા ભક્તોની સંખ્યાએ અગાઉના તમામ રેકોર્ડ્સ તૂટી જાય તેવી સંભાવના પૂરેપૂરી છે. માત્ર એક મહિનામાં 14 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી ગયા છે. 2019માં થયેલી 7 મહિના લાંબી આ યાત્રામાં 34 લાખ શ્રદ્ધાળુઓનો રેકોર્ડ છે. તે પછી કોરોનાને કારણે બે વર્ષ સુધી માત્ર સાંકેતિક યાત્રા હતી. આ યાત્રા ઓક્ટોબર સુધી ચાલે છે.
પહેલીવાર કેદારનાથ ધામના માર્ગ પર પદયાત્રીઓનો પણ ચક્કાજામ થઈ રહ્યો છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રાની નોંધણી માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. તે જ સમયે, ઘણા લોકોને ધામમાં રહેવા માટે હોટલ અથવા હોમસ્ટેમાં બુકિંગ નથી મળી રહ્યું.
પ્રશાસને પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, જો ક્યાંય રહેવાની વ્યવસ્થા ન મળે તો મુસાફરી ટાળવી જોઈએ. જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. ઉત્તરાખંડના પ્રવાસન સચિવ દિલીપ જવાલકરે કહ્યું કે, આ વખતે પ્રવાસીઓનો રેકોર્ડ તોડવાની દરેક આશા છે.
30 હજાર લોકોને કામ મળ્યું
લગભગ 50 હજાર મુસાફરો દરરોજ હજારો વાહનોમાં ચારધામો માટે ઋષિકેશથી નીકળી રહ્યા છે. આનાથી બે વર્ષથી બેરોજગાર રહેલા હજારો ચહેરા પર સ્મિત ફરી આવ્યું છે. ઉત્તરાખંડ પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, યાત્રાના રૂટ પર 5 હજારથી વધુ વ્યવસાયિક સંસ્થાઓ છે. જેમાં ઢાબા, હોટલ, હોમ સ્ટે, ડિપાર્ટમેન્ટલ સ્ટોર, મિકેનિક વગેરેનો સમાવેશ થાય છે. કુલ 30 હજાર લોકોને રોજગાર મળે છે.
હિજરત કરેલા લોકો પણ પાછાં ફર્યા
આ બધું બે વર્ષમાં અટકી ગયું હતું. કેટલાક પરિવારો પૈતૃક ગામ છોડીને શહેરોમાં કામ કરવા ગયા હતા. હવે તેઓ પરત ફર્યા છે. દેવપ્રયાગ પહેલાં 20 કિમી દૂર કોડિયાલામાં ધાબા ચલાવતી મૃદલા કુમારી કહે છે, ‘પિતાનું મૃત્યુ કોરોનાથી થયું હતું. આ ઢાબા બે વર્ષથી બંધ હતો. હવે મેં તેની શરૂઆત કરી છે. યાત્રામાં લોકોની વધતી જતી સંખ્યાને જોતા પાંચ લોકોનો વધારાનો સ્ટાફ રાખવો પડ્યો હતો.
આવી જ રીતે 4 વર્ષ પહેલા મુકેશ નૌટિયાલે કામેડામાં 30 લાખની લોન લઈને રેસ્ટોરન્ટ ખોલી હતી. કોરોનાની આવક શૂન્ય થઈ. ત્યાં 12 લોકોનો સ્ટાફ હતો, બધાએ તેમની નોકરી ગુમાવી દીધી હતી. હવે બધાને પાછા બોલાવવામાં આવ્યા છે.
ચારધામ રૂટ પર આવા અનેક ગામો છે, જ્યાંથી સ્થળાંતર થતું હતું. હવે આ ગામોમાંથી પસાર થતા રસ્તાઓ પર ઢાબાઓ ખુલી ગયા છે. રતુડા ગામમાં ઢાબા ચલાવતા રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે, તે દિલ્હીના દિલશાદ ગાર્ડનમાં એક હોટલમાં કામ કરતો હતો. હવે પાછા ગામમાં આવીને એવું લાગે છે કે શહેરમાં જવું પડશે નહીં. આવી જ વાર્તા માલેથા, વ્યાસી, કામેડા, નાગરસુ, ઘોલતીર વગેરે ગામોની પણ છે.