ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ઘરે સુરક્ષા વધારી દેવામાં આવી છે. એવી અફવાઓ ફેલાઈ રહી છે કે, ખાનને મારવા માટે કાવતરું ઘડવામાં આવ્યું છે. શનિવારે ઈસ્લામાબાદ પોલીસ વિભાગે કહ્યું કે, ઈમરાન ખાનના નિવાસસ્થાન બાની ગાલાની આસપાસના વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. સત્તા પરથી હટાવવામાં આવેલા ઈમરાન ભૂતકાળમાં ઘણી વખત દાવો કરી ચૂક્યા છે કે, તેમની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. ખાને કહ્યું હતું કે, એક વીડિયોમાં તેણે કાવતરાખોરોનો ખુલાસો કર્યો હતો જે તેના મૃત્યુ પછી સામે આવશે.
પોલીસ પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું કે, ઇસ્લામાબાદમાં કલમ 144 પહેલેથી જ લાગુ છે અને મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈસ્લામાબાદ પોલીસે તેના ટ્વિટમાં જણાવ્યું હતું કે, “પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન ખાનની બાની ગાલામાં સંભવિત વાપસીને ધ્યાનમાં રાખીને, રહેણાંક સંકુલની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.” જો કે, હજુ સુધી ઇસ્લામાબાદ પોલીસને ઇમરાન ખાનની ટીમ તરફથી તેના પરત ફરવાના કોઇ નક્કર સમાચાર મળ્યા નથી.
પોલીસે બાની ગાલાની બહાર કડક સુરક્ષા તૈનાત કરી છે. બની ગાલામાં હાજર લોકોની યાદી હજુ સુધી પોલીસને આપવામાં આવી નથી. ઈસ્લામાબાદમાં કલમ 144 અમલમાં છે અને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ કોઈ પણ મેળાવડાની મંજૂરી નથી. “ઈસ્લામાબાદ પોલીસ કાયદા મુજબ ઈમરાન ખાનને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડશે અને ઈમરાન ખાનની સુરક્ષા ટીમો પાસેથી પણ સહકારની અપેક્ષા રાખે છે,” પોલીસે જણાવ્યું હતું.
‘ઈમરાન પર હુમલો એટલે પાકિસ્તાન પર હુમલો‘
ઈમરાન ખાનના ભત્રીજા હસન નિયાઝીએ કહ્યું કે, જો પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ચીફને કંઈ થશે તો તેને પાકિસ્તાન પર હુમલો માનવામાં આવશે. આ પહેલા ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, ઈમરાન રવિવારે ઈસ્લામાબાદ પરત ફરી શકે છે. ચૌધરીએ એપ્રિલમાં દાવો કર્યો હતો કે, ઈમરાન ખાનની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું અને તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
પીટીઆઈ નેતા ફૈઝલ વાવડાને પણ ‘બુલેટપ્રૂફ ગ્લાસમાં રહેવાની સલાહ’ આપવામાં આવી હતી અને દાવો કર્યો હતો કે ઈમરાન ખાનની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે કારણ કે તેણે ‘દેશ વેચવાનો’ ઇનકાર કર્યો છે. ખાનને ઈસ્લામાબાદ પરેડ ગ્રાઉન્ડ ખાતેની રેલી દરમિયાન બુલેટપ્રૂફ કાચની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. પણ હંમેશની જેમ તે કહે છે કે અલ્લાહ ઈચ્છશે ત્યારે મારું મૃત્યુ આવશે. કૃપા કરીને ચિંતા કરશો નહીં.