શિવજીની પૂજા સાથે મહાશિવરાત્રિએ કરો આ વિશેષ ઉપાય
આવતીકાલે શનિવારના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ વર્ષે મહાશિવરાત્રી શનિવારના દિવસે હોવાથી વિશેષ મહત્વ છે. શનિવારે મહાશિવરાત્રી હોવાથી શનિ પ્રદોષ પણ આ દિવસે સર્જાશે. હિંદુ પંચાંગ અનુસાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસની ઉજવણી મહાશિવરાત્રી તરીકે દર વર્ષે કરવામાં આવે છે. લોકવાયકા એવી પણ છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથ પૃથ્વી પર જેટલા પણ શિવલિંગ છે તેમાં બિરાજમાન હોય છે. તેથી આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી સાક્ષાત મહાદેવની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને પૂજા કરતી વખતે કેટલાક ઉપાયો કરવાથી મનની ઈચ્છા પણ પૂરી થાય છે.
મહાશિવરાત્રીની પૂજા દરમ્યાન કરો આ ઉપાય : શિવજીને પ્રસન્ન કરવા હોય તો મહાશિવરાત્રીના દિવસે સવારે બપોરે સંધ્યા સમયે અને રાત્રે ચાર પ્રહરમાં રુદ્રાષ્ટદ્યાયી પાઠ કરવો. આ સાથે જ ભગવાન શિવનો પંચામૃત સાથે અભિષેક કરવો. જો તમે કોઈ કારણોસર આ પાઠ ન કરી શકો તો ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરતા કરતા શિવજીનો અભિષેક કરવો. મહાશિવરાત્રીના દિવસે રુદ્રાક્ષ ધારણ કરવું અને તેને ધારણ કરતા પહેલા 108 વખત ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો. જે લોકો ઘરમાં ધન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા હોય તે લોકોએ મહાશિવરાત્રીના દિવસે છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા કરવી સૌથી ઉત્તમ ગણાય છે. આ દિવસે તમે ઘરમાં સ્ફટિકના શિવલિંગની સ્થાપના પણ કરી શકો છો. સ્થાપના કર્યા પછી નિયમિત રીતે તેની પૂજા કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ જે ઘરમાં સ્ફટિકનું શિવલિંગ હોય છે તે ઘરમાં વાસ્તુદોષ કે અશુભ પ્રભાવ રહેતો નથી. મહાશિવરાત્રીના દિવસે શિવજીના મંદિરમાં જઈને ઓમ નમ: શિવાય મંત્રના સવા લાખ જાપ કરવાથી શિવ કૃપા પ્રાપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. મહાશિવરાત્રીના પાવન અવસર પર મહામૃત્યુંજય મંત્રના પણ સવા લાખ જાપ કરવાથી વ્યક્તિ રોગ અને શોકથી મુક્ત થાય છે. જો તમે આ મંત્રની એક માળા પણ કરો છો તો જીવનની બાધાઓથી મુક્તિ મળે છે.
શિવરાત્રિના પૂજાના શુભ મુહૂર્તો
મહાશિવરાત્રિની પૂજા નિશિતા કાળમાં કરવામાં આવે છે. નિશિતા કાળનો સમય: 18 ફેબ્રુઆરી, રાતે 11 વાગીને 52 મિનિટથી 12 વાગીને 42 મિનિટ સુધી
પ્રથમ પ્રહર પૂજા સમય: 18 ફેબ્રુઆરી, સાંજે 6 વાગીને 40 મિનિટથી રાતે 9 વાગીને 46 મિનિટ સુધી
દ્વિતીય પ્રહર પૂજા સમય: રાતે 9 વાગીને 46 મિનિટથી રાતે 12 વાગીને 52 મિનિટ સુધી
તૃતીય પ્રહર પૂજા સમય: 19 ફેબ્રુઆરી, રાતે 12 વાગીને 52 મિનિટથી 3 વાગીને 59 મિનિટ સુધી
ચતુર્થ પ્રહર પૂજા સમય: 19 ફેબ્રુઆરી, 3 વાગીને 59 મિનિટથી સવારે 7 વાગીને 5 મિનિટ સુધી
મહાશિવરાત્રિ વ્રતની વિધિ
તમને જણાવી દઈએ કે શિવરાત્રિ વ્રતના એક દિવસ પહેલા ત્રયોદશી પર ભક્તોએ ડુંગળી-લસણ વિનાનુ ભોજન કરવુ જોઈએ. જ્યારે શિવરાત્રિના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને પૂરી શ્રદ્ધા સાથે ભગવાન ભોલેનાથ આગળ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. સંકલ્પ દરમિયાન ભક્ત ઉપવાસનો સમય પૂરો કરવા માટે ભગવાન શિવના આશીર્વાદ લે છે. તમે વ્રત કઈ રીતે રાખશો એટલે કે ફળાહાર કે પછી નિર્જળા એ પણ સંકલ્પ લઈ લો. શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરીને મંદિરમાં પૂજા કરવા જવુ જોઈએ. શિવરાત્રિના પ્રસંગે ભગવાન શિવની પૂજા રાતે ખાસ રીતે કરવી જોઈએ. આખો દિવસ અને રાત ઉપવાસ કર્યા બાદ આગલા દિવસે સૂર્યોદય થયા બાદ જ નાહીને વ્રત ખોલવામાં આવે છે. વાસ્તવિક માન્યતા એ છે કે શિવ પૂજન અને પારણ ચતુર્દશી તિથિમાં જ કરવામાં આવે છે.
ભોળિયાનાથની મહાશિવરાત્રિની પૂજા વિધિ…
મહાશિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરી લો. સ્નાન બાદ નવા વસ્ત્રો ધારણ કરો. દૂધ, બિલિપત્ર, ધતૂરા, જળ, અક્ષત અને ફૂલોથી પૂજાની થાળી સજાવો. શિવલિંગ પર અર્પિત કરવા માટે રુદ્રાક્ષ પણ પૂજા સામગ્રીમાં સામેલ કરો. જળના લોટા અને પૂજાની થાળીને કોઈ શુદ્ધ લાલ કપડાંથી ઢાંકી દો. હવે શિવલિંગની પૂજા આરંભ કરો અને ભગવાન શિવનુ ધ્યાન ધરો. શિવલિંગની પૂજા દક્ષિણ દિશામાં બેસીને કરો. સૌથી પહેલા ભગવાન શિવને દૂધ અર્પણ કરો. દૂધ ચડાવ્યા પછી શિવલિંગ પર જળ ચડાવો. જળ પછી શિવલિંગ સમક્ષ અક્ષત અને રુદ્રાક્ષ અર્પણ કરો. ત્યારબાદ શિવલિંગને ત્રિપુંડ તિલક લગાવો. ત્યારબાદ શિવલિંગ પર બિલિપત્ર અને ધતૂરો અર્પણ કરો. શિવલિંગ પર ફૂલ ચડાવો અને ભગવાન શિવના મંત્રોનો જાપ કરો. ભગવાન શિવના મંત્રોનો જાપ કર્યા બાદ શિવલિંગની પરિક્રમા કરો. ભગવાન શિવની આરતી ઉતારો અને તેમને પ્રસાદ ધરાવો. ત્યારબાદ બધાને પ્રસાદ વહેંચો. ભગવાન શિવની મૂર્તિની આખી પરિક્રમા અને શિવલિંગની અડધી પરિક્રમા કરો. ભગવાન શિવની પૂજા પહેલા માતા પાર્વતીની પૂજા જરુર કરો.