ગુજરાત

સુજલામ સુફલામ્ જળ અભિયાનના કારણે સિંચાઇ અને પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ : ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ્ જળ અભિયાનના છઠ્ઠા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામેથી કરાવ્યો હતો. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દૃષ્ટિનું સફળતમ દ્રષ્ટાંત સુજલામ સુફલામ્ જળ અભિયાન છે. ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું કે આ અભિયાનને મળી રહેલા અપ્રતિમ પ્રતિસાદ અને લોકલાગણીને માન આપી રાજ્ય સરકારે આ વર્ષે અભિયાન વધુ સમય ચાલુ રાખી 104 દિવસનું રાખવા નો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ અભિયાનનો પ્રારંભ જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

માટી ખોદકામને કારણે મોટા પાયે માનવ દિન રોજગારી મળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અભિયાનમાં જે કામો થાય છે તે સંપૂર્ણ ગુણવત્તા યુક્ત અને પારદર્શી ઢબે થાય છે તેનું ગૌરવ કરતા કહ્યું કે આ કામોને પરિણામે ખેડૂતો અને લોકોને સિંચાઇ અને પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થઈ છે. એટલું જ નહિ, માટી ખોદકામને કારણે મોટા પાયે માનવ દિન રોજગારી મળે છે અને નીકળેલી માટી ખેડૂતો પોતાના ખેતરમાં ઉપયોગમાં લે છે. આવી માટી સબંધિત વિકાસ કામોમાં વપરાશમાં લેવા ખરીદ કરીને આવક પણ ઉભી થાય છે. મુખ્યમંત્રીએ આ જળ સંચય અને જળ સંગ્રહ અભિયાન વરસાદી પાણીને રોકવા અને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો એક સફળ પ્રયોગ બન્યો છે તે માટે આ અભિયાન સાથે સંકળાયેલ સૌને અભિનંદન આપ્યા હતા.

વડાપ્રધાનનું દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરના નિર્માણનું આહવાન

તેમણે પાણીના કરકસર પૂર્ણ ઉપયોગ માટે પણ કાળજી લેવા સૌને અનુરોધ કર્યો હતો. ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને અમૃત કાળમાં લઇ જવા જળ સંચયને વેગ આપતા દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરના નિર્માણનું જે આહવાન કર્યું છે. આ આહવાન ઝીલી લઈને ગુજરાત આવા અમૃત સરોવર બનાવીને જળ સંગ્રહ જળસંચય ક્ષેત્રે દેશનું દિશા દર્શક બને તે માટે આ સુજલામ સુફલામ્ જળ અભિયાન ઉદ્દીપક બને તેવી નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ થયેલ સુજલામ સુફલામ્ જળ અભિયાનની સફળતાને પગલે રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં 74509 કામો હાથ ધરીને જળ સંગ્રહ ક્ષમતામાં 86196 લાખ ઘન ફૂટનો વધારો થયો છે. 56778 કિલો મીટર લંબાઈમાં નહેરો તેમજ કાંસની સફાઈ કામો વ્યાપક પણે હાથ ધરવામાં આવેલા છે.

Back to top button