અમેરિકામાં હવે ટેક્સાસની પાર્ટીમાં ગોળીબાર, પાંચ કિશોરો ઘાયલ
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. શનિવારે અમેરિકાના વેસ્ટ ટેક્સાસમાં એક પાર્ટી દરમિયાન ગોળી ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં પાંચ કિશોરો ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
સોકોરો પોલીસ વડા ડેવિડ બર્ટને જણાવ્યું હતું કે, 16થી 18 વર્ષની વયના કિશોરો શનિવારે મેક્સિકો સરહદ પર અલ પાસો નજીક સોકોરોમાં એક ઘરમાં પાર્ટી કરી રહ્યા હતા, જ્યાં લગભગ 100 લોકો હાજર હતા. બર્ટને જણાવ્યું હતું કે, આયોજકોના જણાવ્યા અનુસાર બે જૂથ વચ્ચે અથડામણ થયા બાદ ગોળીબાર શરૂ થયો હતો.
તે જ સમયે શિકાગોમાં સિક્યુરિટી ગાર્ડ અને તેના કૂતરાને ગોળી મારવા બદલ એક યુવક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ગુરુવારે બનેલી આ ઘટનામાં સુરક્ષા ગાર્ડ અને તેનો કૂતરો બંને ઘાયલ થયા હતા. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી.