પાલનપુરના ભાભર-સણવા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના રોડ કામમાં ગેરરીતિ
પાલનપુર: રોડના કામનો કોન્ટ્રાકટર જવાબદાર અધિકારીઓની રહેમ નજર હેઠળ વ્યાપક ભષ્ટ્રાચાર કરી રહ્યો છે. એક કામ અને બે પ્રકારના માલ મટીરીયલ વપરાઈ રહ્યું છે. એક જગ્યાએ કાચી કપચી બીજી જગ્યાએ પાકી કપચી વાપરવામાં આવી રહી છે. જેની તપાસ કરવા ખેડૂતોની માંગ ઊઠી છે. જ્યારે વાવ ધારાસભ્યએ પણ વિભાગને જાણ કરી હાલ કામ સ્થગિત કરવા માગ કરી છે.
ભાભર પંથકમાં સરકાર ની લોકોની સુખાકારી માટે યોજના હેઠળ થતાં વિકાસ કામોમાં કોન્ટ્રાક્ટરો વ્યાપક પ્રમાણમાં વગરનો ભષ્ટ્રાચાર કરતાં હોવાની ફરીયાદો ઉઠી રહી છે. પરંતુ જવાબદાર અધિકારીઓ તપાસમાં સબ સલામત પુરવાર કરી મલાઈ તારવી રહ્યા છે. જેના કારણે સરકારની યોજનાઓનો હેતુ બર આવતો નથી.
બનાસકાંઠામાં ભાભર- સણવા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ પર આશરે 30 કિલોમીટર લાંબા અને કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનાવાની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા હાથ ધરવામાં આવી છે.
ધારાસભ્ય ગેનીબેનનો આક્ષેપ
જેમાં ટેન્ડરના ધારાધોરણ મુજબ કામ ન થતું હોવાના આક્ષેપ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું નબળું મટીરીયલ વાપરી રોડ કામમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે. રોડ કામમાં ટેન્ડર મુજબ મેન્ટલ કપચી વાપરવાના બદલે જ્યાં ચાર રસ્તા પડતાં હોય ત્યાં પાકી કપચી નાખવામાં આવેલ છે. જ્યારે ખેતરોના અંદરના ભાગમાં રોડમાં કાચી કપચી નાખી હતી.
તપાસ કરવા વિભાગને પત્ર લખી માંગ કરશે
જે ગેરરીતિ છુપાવવા કોન્ટ્રાક્ટરે રાત દિવસ કામગીરી હાથ ધરી ઝડપી કામગીરી પૂર્ણ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલ રોડ કામમાં સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ ભષ્ટ્રાચાર થઈ રહ્યો છે તેવું ખેડૂતો પણ જણાવી રહ્યા છે. ઉચ્ચ કક્ષાએથી આ રોડના કામની તપાસ કરવામાં આવે તો સમગ્ર ગેરરિતી બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જ્યારે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આ અંગે તંત્રનું ધ્યાન દોરી રોડની કામગીરી અંગે તપાસ કરવા તેમજ જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી આ રોડનું કામ સ્થગિત કરવાની પણ માગ કરી છે.
આ પણ વાંચો :કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનવા માટે વધુ એક ઉમેદવારનું નામ આવ્યું સામે, રાષ્ટ્રીય અધ્યક્ષને કરી અપીલ