ગુજરાતના 6 લાખ પશુપાલકો માટે સારા સમાચાર, અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવ કર્યો વધારો
આણંદ,ખેડા,મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં રૂ.10નો વધારો કર્યો છે.પ્રતિ કિલો ફેટના રૂ.730ના વધીને રૂ.740 કરી દીધા છે જેના લીધે આણંદ,ખેડા,મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને મોટો લાભ થશે.
અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. અગાઉ ભેંસના દૂધના ભાવ પ્રતિ કિલો 730 રૂપિયા મળતો હતો જે હવે 740 કરવામાં આવ્યો છે. તો ગાયના દૂધના પ્રિત કિલો ફેટના ભાવ 331.80 રૂપિયા મળતા હતા જે હવે 336.40 રૂપિયા મળશે. જેના કારણે પશુપાલક સાથે જોડાયેલા આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 6 લાખથી વધુ પશુપાલકોને આ ભાવ વધારાથી લાભ થશે
ગત વર્ષ 2021માં અમુલનું વાર્ષિક ટર્ન ઓવર 10 હજાર કરોડ પાર પહોંચ્યું છે. ગયા વર્ષે દૂધ ની આવક 131 કરોડ લીટર થઈ હતી.ચાલુ વર્ષે 150 કરોડ લીટર દૂધ ની આવક થઈ છે. ખેડુતો ને અંતિમ ભાવ ની રકમ માં પણ 9.37 ટકા નો વધારો કરાયો હતો. ગત વર્ષે 320 કરોડ અંતિમ ભાવ ની ચુકવણી થઈ હતી. ચાલુ વર્ષે 350 કરોડ થી વધુ રકમ ખેડૂતોને ચૂકવાઈ છે.
1 માર્ચથી અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા સ્પેશિયલના ભાવમાં તેમજ છાસ અને દહીના ભાવમાં પણ પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધના છાશ અને દહીંમાં ભાવ વધારા બાદ અમુલ દ્વારા પશુદાણમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો. અમુલ ન્યુટ્રી ગોલ્ડ 50 કિલો દાણના ભાવ 135 જેટલો વધ્યો, જ્યારે અમુલ ન્યુટ્રી રિચ 50 કિલોમાં 200 રૂપિયાનો વધારો, 11 માર્ચ 2022થી થશે નવો વધારો લાગુ થઈ ગયો હતો. સાથે સાથે આ અગાઉ અમુલે પશુપાલકોને અપાતી કિંમતોમાં પણ વધારો કર્યો હતો પ્રતિ કીલો ફેટે પશુપાલકોને રૂ.35ને સ્થાને રૂ40 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દૂધ બાદ બટરના ભાવમાં પ્રતિ કિલોએ વધારો કરવામાં આવ્યો હતો. હવે 100 ગ્રામ બટર પેકિંગ હવે રૂ.50ને સ્થાને રૂ.52માં મળશે, 500 ગ્રામ બટર પેકિંગ રૂ.245ના બદલે રૂ.250માં મળશે જ્યારે એક કિલો બટરની કિંમત રૂ.530થી વધીને રૂ.550 પહોંચી છે.
દૂધની અનેક બનાવટો બનાવતી અમુલ હવે નવી પહેલ કરવા જઈ રહી છે. અમુલ હવે ઘંઉનો ઓર્ગેનિક લોટ પહોંચાડવા જઈ રહી છે. હાલમાં અમુલ દ્વારા ઘઉંના લોટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ ઓર્ગેનિક લોટનો ભાવ 1 કિલોના 60 રૂપિયા અને 5 કિલોના 290 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.જૂન મહિનાથી અમુલ ઓર્ગેનિક લોટ માટે ઓનલાઈન ઓર્ડર કરી શકાશે જેમાં સમગ્ર ગુજરાત,દિલ્હી, એન.સી.આર, મુંબઇ અને પુણેમાં હોમ ડિલીવરી કરવામાં આવશે. આ ઉપરાંત આવનાર સમયમાં અન્ય કઠોળ દાળ, ચોખા જેવી વસ્તુઓ પણ લોન્ચ કરવાની તૈયારી અમુલે આરંભી દીધી છે. વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી કેન્સર, હાર્ટએટેકટ, ડાયાબિટીસ જેવા રોગ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ગ્રાહકોને વધુ ટકાઉ અને તંદુરસ્ત જીવનશૈલી તરફ વાળવના આશયથી અમુલ દ્વારા આ પહેલ કરવામાં આવી રહી છે.