પાટણ : રાધનપુર પાસે અકસ્માતમાં આઠ લોકોના મોત, પોલીસ સામે હપ્તાના ગંભીર આક્ષેપ
- સ્થાનિક નાગરિકે વિડિયો વાયરલ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા પાટણ જિલ્લાના રાધનપુર- વારાહી હાઈવે પર આવેલા મોટી પીપળી ગામ નજીક એક જીપ રોડ પર ઊભેલી ટ્રકની પાછળના ભાગે ઘુસી ગઈ હતી. પરિણામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લોકોના ઘટનાસ્થળે કરુણ મોત નિપજયા હતા. જ્યારે સારવાર દરમિયાન વધુ બેના મોત થતા મૃતાંક આઠ પર પહોંચ્યો હતો. જ્યારે બાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણ જિલ્લામાં બુધવાર ગોજારો સાબિત થયો હતો. અહીંના રાધનપુર થી વારાહી હાઇવે ઉપર રાજસ્થાનથી મજૂરો ભરીને જઈ રહેલી એક જીપનું ધડાકા સાથે ટાયર ફાટી ગયું હતું. જેના કારણે મોટી પીપળી ગામના પાટીયા પાસે હાઇવે પર ઉભેલી ટ્રક સાથે આ જીપ ધડાકાભેર ટકરતા ગંભીરઅક્માત સર્જાયોહતો. આ અકસ્માતની ઘટનામાં હાઇવે મરણ ચિસ થી ગુંજી ઉઠ્યો હતો. જેમાં જીપમાં બેઠેલા 6 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નિપજયા હતા.જ્યારે 12 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ અક્માતના પગલે લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય બે લોકોના મોત થતા અકસ્માતની ઘટનામાં મૃતાક આઠ પર પહોંચ્યો હતો. જેમાં રાધનપુરના ત્રણ લોકોનો સમાવેશ થાય છે. આ ઘટનાને લઈને એક સ્થાનિક નાગરિકે પોલીસ તંત્રની સામે હપ્તાખોરીના ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. ઘટના સ્થળે ઊભા રહીને બોલી રહેલા સ્થાનિકે વીડિયોમાં પોતાનો રોષ વ્યક્ત કરીને પોલીસ તંત્ર સામે હપ્તા રાજનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ ઘટનામાં આઠ લોકોના મોતથી સમસમી ઉઠેલા સ્થાનિકે પોલીસ તંત્રને પ્રશ્ન કર્યો હતો કે, ઘેટા – બકરાની જેમ ભરીને દોડતી જીપ પોલીસને કેમ દેખાતી નથી ? અને દેખાય છે તો પોલીસ કાર્યવાહી કેમ કરતી નથી ? આ અકસ્માતમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે સરકારે જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ માગ કરી છે. આખા વીડિયોમાં સ્થાનિક નાગરિક રોષ સાથે પોતાની વ્યથા ઠાલવતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : શ્રી 51 શક્તિપીઠ મહોત્સવનો ચોથો દિવસ : બનાસકાંઠા પોલીસ દ્વારા આદ્યશક્તિ માં અંબાને અપાયું ‘ગાર્ડ ઓફ ઓનર’