ગુજરાતટોપ ન્યૂઝ

વિધાનસભાઓમાં ચર્ચાઓનું સ્તર નીચે ઉતરવું એ ચિંતાનો વિષય: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા

15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ-મુખ્યમંત્રી-મંત્રીઓ-સાંસદઓની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. દ્વિ-દિવસીય કાર્યશાળામાં સંસદીય કાર્યપદ્ધતિ વિષયક 10થી વધુ સત્રોમાં ધારાસભ્યોને વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મળશે.

આ પણ વાંચો: વિશ્વ માતૃભાષા દિવસની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદ ખાતે કરાશે, જાણો સમગ્ર કાર્યક્રમ

સંસદીય કાર્યશાળાનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું

15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યોને સંસદીય કાર્યપદ્ધતિથી સુપેરે માહિતગાર કરવા ગુજરાત વિધાનસભા અને લોકસભા સચિવાલય દ્વારા સંસદીય કાર્યશાળાનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજીએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સાંસદઓ, મંત્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતીમાં આ કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો.

15 મહિલા પ્રતિનિધિઓ ચૂંટાઈ છે કે જેમાંથી 8 મહિલાઓ પહેલી વાર સભ્ય બની

ઓમ બિરલાએ જણાવ્યું હતું કે ગુજરાતની 15મી વિધાનસભા એ યુવાશક્તિ તેમજ અનુભવનું અનોખો સુમેળ છે. રાજ્ય વિધાનસભામાં 82 જેટલા નવા ચૂંટાયેલા સભ્યો છે અને 15 મહિલા પ્રતિનિધિઓ ચૂંટાઈ છે કે જેમાંથી 8 મહિલાઓ પહેલી વાર સભ્ય બની છે. તે ગુજરાત માટે ગૌરવની વાત છે.

વિધાનમંડળોમાં ચર્ચા તથા સંવાદ થવા જોઇએ

ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં ઓમ બિરલાએ કહ્યુ હતું કે જનપ્રિતિનિધિ હોવાના નાતે તેમના પર મતદારોના પ્રશ્નોના ઉકેલ લાવવાની મોટી જવાબદારી છે. તેથી વિધાનમંડળોમાં ચર્ચા તથા સંવાદ થવા જોઇએ તથા ચર્ચાનું સ્તર ઉચ્ચતમ રહેવું જોઇએ. તેમણે ઉમેર્યુ હતું કે રાજ્ય વિધાનસભાઓમાં ચર્ચા તેમજ સંવાદનું સ્તર જેટલું ઉંચુ હશે, તેટલા જ કાયદાઓ વધુ શ્રેષ્ઠ બનશે. ગૃહમાં અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે એ જરૂરી છે કે સભ્યોને નિયમો તેમજ પ્રક્રિયાઓની માહિતી હોય. તેથી ગૃહે ચર્ચા તથા સંવાદનું એક અસરકારક કેન્દ્ર બનવું જોઇએ કે જેથી આપણી લોકશાહી વધુ મજબૂત બને.

આધારવિહોણા આરાપો પર તર્ક-વિતર્ક લોકશાહીને નબળી કરે છે

પ્રિસાઇડિંગ ઑફિસરોની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં ઓમ બિરલાએ જણાવ્યુ હતું કે પ્રિસાઇડિંગ ઑફિસરની જવાબદારી છે કે તેઓ ગૃહની ગરિમા વધારવાની દિશામાં કાર્ય કરે. ગૃહોમાં ચર્ચાઓનું સ્તર નીચે જવું તથા ગૃહની ગરિમામાં ઘટાડો એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. એક ઉત્કૃષ્ટ ધારાસભ્ય એ જ હોય છે કે જે ઉત્કૃષ્ટ ગુણવત્તા ધરાવતી ચર્ચા તથા સંવાદમાં ભાગ લે અને ગૃહની પ્રતિષ્ઠામાં વધારો કરે. સભ્યોએ તથ્યો સાથે પોતાની વાત મૂકવી જોઇએ, કારણ કે આધારવિહોણા આરાપો પર તર્ક-વિતર્ક લોકશાહીને નબળી કરે છે.

કાર્યવાહીમાં વિઘ્ન નાખવાથી કોઈ પણ સભ્ય શ્રેષ્ઠ ધારાસભ્ય ન બની શકે

લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કરતાં તેમણે કહ્યુ હતું કે ગૃહમાં વિપક્ષની ભૂમિકા હકારાત્મક, રચનાત્મક તથા શાસનમાં જવાબદારી નક્કી કરનારી હોવી જોઇએ, પરંતુ જે પ્રકારે સુનિયોજિત રીતે ગૃહની કાર્યવાહીમાં વિઘ્ન નાખી ગૃહનું કાર્ય સ્થગિત કરવાની પરમ્પરા સર્જવામાં આવી રહી છે, તે લોકશાહી માટે યોગ્ય નથી. ગૃહમાં ચર્ચા, વાદ-વિવાદ, અસંમતિ હોઈ શકે, પરંતુ ગૃહમાં ગતિરોધ ક્યારેય ન હોવો જોઇએ. તેમણે સભ્યોને ગૃહના નિયમો તથા પ્રક્રિયાઓ અને અગાઉના વર્ષોના વાદ-વિવાદનો અભ્યાસ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સભ્યો નિયમો, પ્રક્રિયાઓ તથા અગાઉના વર્ષોમાં થયેલ વાદ-વિવાદોથી જેટલા વધુ વાકેફ બનશે, તેટલા જ તેમના પ્રવચનો સમૃદ્ધ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સૂત્રોચ્ચાર કરવા તથા વિધાનસભાની કાર્યવાહીમાં વિઘ્ન નાખવાથી કોઈ પણ સભ્ય શ્રેષ્ઠ ધારાસભ્ય ન બની શકે.

Back to top button