અમદાવાદગુજરાત

આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અમદાવાદમાં થશે

Text To Speech

વિશ્વ પર્યાવરણ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર, અમદાવાદ ખાતે  5 જૂને કરવામાં આવશે. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ ધારાસભ્યો તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહેશે તેમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

આ કાર્યક્રમમાં અંદાજિત 10 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવનિર્મિત સુરત, અંક્લેશ્વર અને સરીગામ પ્રાદેશિક કચેરીઓના વર્ચુઅલ લોકાર્પણ તથા જીપીસીબી દ્વારા તૈયાર થયેલ જોખમી કચરાના નિકાલ માટે અતિ મહત્વપૂર્ણ વ્હિકલ લોકેશન ટ્રેકિંગ સીસ્ટમનું  લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત સુરત ખાતેના ઉત્સાહજનક પરિણામ બાદ અમદાવાદમાં પણ એમિશન ટ્રેડિંગ સ્કીમનું લોકાર્પણ કરાશે, જેમા આશરે 200 ઔદ્યોગિક એકમોની શરુઆત થશે, જેથી અમદાવાદની હવાની ગુણવત્તામાં વધુ સુધારો થશે.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવાની દિશામાં થયેલ પ્રયત્નો વિશે ટૂંકી ફિલ્મ તથા ગ્રામિણ વિસ્તારમાં જન જાગૃતિના થયેલ પ્રયત્નોને આવરી લેતા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી નાગરિકોને ‘પ્લાસ્ટિક મુક્ત અને હરિયાળા ગુજરાત’ માટે સંકલ્પ લેવડાવશે. આ સંપૂર્ણ કાર્યક્રમ “ઝીરો વેસ્ટ ઇવેન્ટ” રહેશે. જેમાંથી ઉદ્દભવતા કચરાના રિ-સાયકલીંગની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનુભાવોને આપવામાં આવનાર પેન તથા આમંત્રણ પત્રિકા પ્લાન્ટેબલ એટલે કે, બીજ સાથે ઉગી શકે તેવા બનાવવામાં આવ્યા છે તેમ યાદીમાં વધમાં જણાવાયું છે.

Back to top button