પાલનપુર : મહેસાણાના બ્રહ્માકુમારી સેવા કેન્દ્રને 50 વર્ષ પૂર્ણ થતાં 14 દિવસીય ભવ્ય અધ્યાત્મ મેળાનો પ્રારંભ
- વિશાળ જગ્યામાં તૈયાર કરેલા અધ્યાત્મનગરીમાં ઉમટયો માનવ મહેરામણ
- 108 દીપ પ્રજવલિત કરી મહેમાનોએ જાહેર જનતા માટે મેળાને ખુલ્લો મુક્યો
પાલનપુર : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના મહેસાણા સેવા કેન્દ્રને 50 વર્ષ પૂર્ણ થતાં 14 દિવસીય ભવ્ય અધ્યાત્મ મેળાનો પ્રારંભ કરાયો હતો. જેમાં મહેસાણાની જનતા વિશાળ સંખ્યામાં ઉમટી હતી. મહેસાણાના પ્રતિષ્ઠીત મહાનુભાવોની સાથે સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય માઉન્ટ આબુથી પણ મહાનુભાવો પધાર્યા હતા. સમારંભમાં સર્વનું સ્વાગત ઝોન સંચાલિકા બ્રહ્માકુમારી સરલાબેને કર્યું હતું. આ પ્રસંગે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે શુભકામનાના આપતાં જણાવેલ કે, માનવ સમાજને આધ્યાત્મિકતા અને સકારાત્મક જીવનની પ્રેરણા આપતો આ મેળો ખાસ જોવા જેવો છે. તેઓએ જનતાને અનુરોધ કરેલ કે, મેળો સર્વને અધ્યાત્મિકતાથી સશક્ત બનાવશે.
માઉન્ટ આબુથી બ્રહ્માકુમારીઝના મલ્ટી મીડિયા ચીફ અને પી.આર.ઓ. ભ્રાતા કરુણાજીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે, સ્વયંને આત્મ નિશ્ચય કરી પિતા શિવ પરમાત્મા ને યાદ કરવા તે સમયની માંગ છે. મેળાના મુખ્ય મહેમાન જોધપુરથી આવેલ શ્રી 1008 સ્વામી શિવસ્વરૂપા નંદજી મહારાજે જણાવેલ કે, બ્રહ્માકુમારીઝની ત્યાગ-તપસ્યા-સેવા ભારત ને વિશ્વગુરૂ બનાવવા માટે સક્ષમ છે. માનવ માત્રના અધ્યાત્મ ઉત્થાન માટે આ મેળો જબરજસ્ત પ્રેરણા આપે છે. બ્રહ્માકુમારી બહેનોનું સંયમિત અને પવિત્ર જીવન સર્વ પ્રત્યે શુભભાવના યુક્ત છે. જે વિશ્વ માટે આદર્શ છે, આ મેળો ભારતીય દિવ્ય સંસ્કૃતિના સિંચન માટે પરિવાર સાથે પ્રેરક સંદેશ આપે છે.
આ મેળો સવારે 10 થી રાત્રી 9 વાગ્યા સુધી વિના મૂલ્યે સર્વ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેમાં સર્વના જીવનમાં પ્રેરણા મળે તેવું ઈશ્વરીય જ્ઞાન – રાજયોગ, વિવિધ મોડેલ દ્વારા આકર્ષક બનાવવામાં આવ્યું છે. સાથે વિવિધ દેવીઓની ચૈતન્ય જાંખી મેળાનું ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. જે પરિવાર સાથે નિહાળવી તે જીવનનો એક લ્હાવો છે.
આ પણ વાંચો : પાટણ : વાગડોદ પોલીસ મથકનો કોન્સ્ટેબલ અને વચેટીઓ રૂ. 6 હજાર ની લાંચમાં સપડાયા