શ્રી 51 શક્તિપીઠ મહોત્સવનો ચોથો દિવસ : બનાસકાંઠા પોલીસ દ્વારા આદ્યશક્તિ માં અંબાને અપાયું ‘ગાર્ડ ઓફ ઓનર’
પાલનપુર: યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ધર્મ અને સંસ્કૃતિના સમન્વય સમાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ના ચોથા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માં અંબાનો જયકાર કરી માઇભક્તો સાથે 51 શક્તિપીઠની પરિક્રમામાં સહભાગી બન્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આદ્યશક્તિ જગતજનની માં અંબાને બનાસકાંઠા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવિક ભક્તો સાથે શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરી
‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’માં પધારેલા હર્ષ સંઘવીએ હજારો માઇ ભક્તો સાથે શક્તિ સ્વરૂપા માં જગદંબાની ભક્તિભાવથી પૂજા કરી શક્તિના પ્રતીક સમું ત્રિશુળ માં ના ચરણોમાં અર્પણ કર્યું હતું.
હર્ષ સંઘવીએ ભક્તિ રંગમાં રંગાઈ હજારો માઇભક્તો સાથે ત્રિશૂળયાત્રા યોજી શ્રી 51 શક્તિપીઠની પરિક્રમા કરી હતી. મંત્રી સાથે ત્રિશૂળયાત્રામાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો તથા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પણ ઉત્સાહથી જોડાયા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 51 શક્તિપીઠની તેમની પરિક્રમામાં યશોશ્વરી શક્તિપીઠ મંદિરની પૂજા અર્ચના કરી ભક્તિભાવપૂર્વક યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે તેમણે શક્તિના ઉપાસક અને માં જગદંબાના અનન્ય ભક્ત એવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક સ્વરૂપે તેમની બાંગ્લાદેશની યાત્રા દરમિયાન બાંગ્લાદેશમાં આવેલ શક્તિપીઠ યશોશ્વરી માં ના મંદિરે દેશની આઝાદી બાદ પ્રથમવાર પૂજા કરી એ પ્રસંગને યાદ કરતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીના સંકલ્પને કારણે અંબાજી ખાતે એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોનું આબેહૂબ નિર્માણ થયું છે. એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શન કરી આ આધ્યાત્મિક પરિક્રમામાં જોડાવવા તેઓએ માઇભક્તોને આહવાન કર્યું હતું.
જગદંબાની ભક્તિભાવથી પૂજા કરી શકિતનું પ્રતીક ત્રિશુળ માં ના ચરણોમાં કર્યું અર્પણ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવિક ભક્તો સાથે શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરી#homeminister #harshsanghvi #ambaji #ambajitemple #parikrama #gujaratupdates #gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/PqI9g3IXju
— Hum Dekhenge News (@humdekhengenews) February 15, 2023
પવિત્ર યાત્રાધામ અંબાજીના વિકાસ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી આગામી વર્ષોમાં પરિક્રમા યાત્રામાં વધુ સુવિધાઓ અને સવલતો ઉભી કરવામાં આવશે તેમજ વ્યક્તિ ખૂબ ઓછો આર્થિક ખર્ચ કરી પરિવાર સહિત 51 શક્તિપીઠની યાત્રા કરી શકે એવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે એમ ઉમેર્યું હતું. મંત્રીએ પવિત્ર યાત્રાધામને ગંદકી અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની અપીલ સાથે યાત્રાળુઓને સ્વંય સ્વચ્છતા અપનાવી અંબાજી ધામને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો. પરિક્રમા બાદ મંત્રીએ અંબાજી મંદિર અને જૈન તીર્થ કુંભારિયાજીના દર્શન કર્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ દ્વારા સમગ્ર બનાસકાંઠા વહીવટીતંત્ર અને લાખો માઇભક્તો વતી આવકારી તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, સંગઠનના પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સહિત સામાજિક – રાજકીય આગેવાનઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :દેવાયત ખવડની શિવરાત્રિ પણ હવે જેલમાં જશે, કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી