પાલનપુર : માતા-પિતાનું પૂજન કરી ડીસામાં “વેલેન્ટાઈન ડે”ની અનોખી ઉજવણી
પાલનપુર : ડીસામાં વેલેન્ટાઈન ડે ની આજે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરવાને બદલે આજે ભારતીય સંસ્કૃતિ મુજબ માતા-પિતા નું પૂજન કરી આશીર્વાદ મેળવે વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરી હતી.
અત્યારે લોકો પશ્ચિમની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે અને આપણા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત તહેવારોને બદલે પશ્ચિમી દેશોમાં ઉજવાતા વિવિધ ડે ની ઉજવણી કરે છે. ત્યારે ડીસા ની આદર્શ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓએ આજે વેલેન્ટાઇન ડે ની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. આજે વિદ્યાર્થીઓએ શાળામાં સામુહિક રીતે માતા પિતાનું પૂજન કર્યું હતું. માતા-પિતા પર પ્રેમરૂપી પુષ્પો વરસાવી ફુલહાર પહેરાવી તેમના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. તો માતા-પિતાએ પણ પોતાના પ્રિય સંતાનો જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તે માટેના આશીર્વાદ આપ્યા હતા.
એક તરફ યુવાધન પશ્ચિમી દેશોનું આંધળુ અનુકરણ કરી રહ્યા છે, ત્યારે ડીસાની આદર્શ હાઈસ્કૂલના બાળકોએ આજે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ માતા-પિતાનુ પૂજન કરી વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી કરી હતી. આવા કાર્યક્રમો થકી શાળાના સંચાલકો અને બાળકો અન્ય લોકોને પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ ડે અને તહેવારો ની ઉજવણી માટે સંદેશ આપે છે.
આ અંગે શાળાના આચાર્ય કે. પી. રાજપૂત અને વિદ્યાર્થીની વિનિતા કેલવાણીએ જણાવ્યું હતું કે, અત્યારે ટીવી અને મોબાઈલના યુગમાં અને પાશ્ચાત્ય સંસ્કૃતિ નું અનુકરણ કરવા ગેરમાર્ગે દોરાય છે.ત્યારે આ શાળામાં દરેક તહેવારોની ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ જ ઉજવણી કરવામાં આવે છે આજે પણ વેલેન્ટાઈન ડે ના દિવસે માતા પિતા નું પૂજન કરી અનોખી રીતે ઉજવણી કરી જીવનમાં માતા-પિતા ના મહત્વ વિશે સમજાવ્યું હતું.