પાલનપુર : ગબ્બર પરિક્રમા કરવાથી પાપોનો નાશ અને પુણ્યનો થાય છે ઉદય
- મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું કરાયું છે નિર્માણ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલ માતાજીના મૂળ સ્થાન ગબ્બર શક્તિપીઠની પરિક્રમા કરવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે અને પુણ્યનો ઉદય થાય છે તેમ 51 શક્તિપીઠના પૂજારીએ ‘હમ દેખેંગે’ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું. અરવલ્લીની ગિરિમાળામાં પ્રકૃતિના ખોળામાં વસેલ અંબાજી થી માત્ર બે કિલોમીટરના અંતરે મૂળ શક્તિપીઠ ગબ્બર આવેલ છે. ગબ્બર પર શક્તિ સ્વરૂપ માં જ્યોત સ્વરૂપે બિરાજમાન છે. મા અંબાના પ્રાગટ્યની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિ શક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું.
દક્ષે બધા જ દેવોને નિમંત્રણ આપ્યું હતું પરંતુ પોતાના જમાઈ અને ભગવાન શંકરને આમંત્રણ આપેલ ન હતું. પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરની ના હોવા છતાં સતીદેવી પિતા ના ત્યાં પહોંચી ગયા. પિતાને ત્યાં યોજાયેલ મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન જોતા અને પિતાના મોઢે પોતાના સ્વામીની નિંદા સાંભળતા તેમને યજ્ઞકુંડમાં પોતાના પ્રાણ દીધા. ભગવાન શિવે સતી દેવના નિ:ચેતન દેહ જોઈ તાંડવ આદર્યું, અને સતિના દેહને ખબે ઉપાડી ત્રણેય લોકમાં ભ્રમણ કરવા માંડ્યા. ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ભયથી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતિના નશ્વર દેહને વિભાજિત કરતા સતિના દેહ તથા આભૂષણો વિશ્વભરમાં 51 સ્થળો પર બિરાજમાન થયા.
અને આ પાવન સ્થળો 51 શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ થયા. આ સ્થળોએ એક એક શક્તિ તથા એક એક ભૈરવ સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા. છેલ્લા ત્રણ દિવસથી અંબાજીના ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે 51 શક્તિપીઠના પૂજારી આલોક દ્વીવેદીએ જણાવ્યું હતું કે, ગબ્બર શક્તિ પીઠ ઉપર મા અંબાના હૃદયનો બિરાજમાન થયો હતો. જ્યારે ગબ્બર પર્વતની ચારે તરફ પરિક્રમા પથ બનાવવામાં આવ્યો છે. જ્યાં 51 શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પરિક્રમા પૂર્ણ કરવાથી મનુષ્યના જન્મ જન્માતરના પાપો નો નાશ થાય છે અને પુણ્યનો ઉદય થાય છે. જ્યારે અન્ય એક શક્તિપીઠની નિત્ય પૂજા – સેવા કરતા પૂજારી જયંતીભાઈ જોશી એ જણાવ્યું હતું કે, શક્તિપીઠની પરિક્રમા કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે.
એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શન
એક જ જન્મમાં, એક જ સ્થળે તમામ શક્તિપીઠના દર્શન કરવાનો સુલભ્ય અવસર 51 શક્તિપીઠ ગબ્બર ખાતે પ્રાપ્ત થાય છે. ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, તિવેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર, ત્રિપુરા, મેઘાલય, આસામ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઓરિસ્સા, રાજસ્થાન, કાશ્મીર જેવા રાજ્યોમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનો ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં નિર્માણ કરવામાં આવેલ છે. પરિક્રમાના અંદાજિત 2.8 કિલોમીટર માર્ગમાં મૂળ શક્તિપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરવામાં આવેલ છે. મૂળ શક્તિપીઠની તાલીમ પામેલ પૂજારીઓ દ્વારા અહીંયા પૂજન – અર્ચન કરવામાં આવે છે.
ક્યારે બન્યો પરિક્રમા પથ
આ 51 શક્તિપીઠ પરિક્રમા પથનું ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ષ 2008માં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે તારીખ 12,13 અને 14 ફેબ્રુઆરી 2014માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2022 માં છ લાખ લોકોએ પરિક્રમા પથ મહોત્સવમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શક્તિપીઠના કેટલા મંદિર અને ગુફાઓ
* શક્તિપીઠના મંદિર : 48
* શક્તિપીઠની ગુફા : 3
* પરિક્રમા પાથવે : 2850 મીટર લંબાઈ
* પગથિયા : 1950
* શક્તિપીઠ સંકુલની સંખ્યા : 20
* વિશ્રામ સ્થળ : 12
આ પણ વાંચો : અંબાજી : લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકડાયરામાં માઇભક્તોને ડોલાવ્યા, તો ગાયિકા સાત્વની ત્રિવેદીએ બોલાવી રાસની રમઝટ