શિવરાત્રિએ પારાના શિવલિંગની પુજા કરશો તો થશે ગજબના ફાયદા
મહાશિવરાત્રિનું પર્વ 18 ફેબ્રુઆરી અને શનિવારના દિવસે ઉજવાશે. મહાશિવરાત્રી મહા વદ તેરસે આવે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનો આ સૌથી મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ તિથી પર દેવાધિદેવ ભગવાન શિવના લગ્ન જગત જનની માતા પાર્વતી સાથે થયા હતા. મહાશિવરાત્રિના દિવસે ભક્તો મહાદેવજીને ખુશ કરવા માટે ઉપવાસ પણ રાખતા હોય છે.
આ દિવસે જે લોકો સાચી નિષ્ઠા, ભક્તિ અને શ્રધ્ધાથી વ્રત કરે છે તેમનાથી મહાદેવજી ચોક્કસ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી કરે છે. મહાશિવરાત્રીનો આ પવિત્ર દિવસ તમામ પ્રકારના શુભ અને મંગળ કાર્યો કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે મહાશિવરાત્રિ પર ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા ઇચ્છતા હો તો પારાનું શિવલિંગ ઘરે લઇ આવો. આખા પરિવાર સાથે મળીને પારાના શિવલિંગની પુજા કરશો તો પૈસાથી લઇને લવ લાઇફ, મેરિડ લાઇફ સારી રહેશે અને ઘરમાં પણ સુખ – સમૃદ્ધિ આવશે.
આ ઉપાયથી મળશે પુણ્ય ફળ
શિવપુરાણમાં જણાવાયુ છે કે અન્ય શિવલિંગની અપેક્ષાએ પારાના શિવલિંગની પુજાથી હજાર ગણુ ફળ મળે છે. તેના સ્પર્શ માત્રથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. પુરાણો અનુસાર પારાની ઉત્પતિ ભોલેનાથના અંશથી થઇ હતી. તેમાં ભગવાન શિવ, માતા લક્ષ્મી અને કુબેરનો સ્થાયી વાસ માનવામાં આવે છે.
સફળતા મેળવવા માટે કરો આ કામ
ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માટે મહાશિવરાત્રિના દિવસે પ્રદોષ કાળમાં પારાના શિવલિંગની જમણી બાજુ ઘીનો દીવો કરો અને હાથમાં ગંગા જળ અને ફુલ લઇને ત્રણ વખત મહામૃત્યુંજય મંત્રનો જપ કરો. ત્યારબાદ શિવલિંગ પર જળ અને ફુલનો અભિષેક કરો. આમ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. પારાના શિવલિંગની ખાસ વાત એ છે કે આ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડતી નથી, કેમકે પ્રાકૃતિક રીતે તે ઉર્જિત થાય છે.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રિઃ આ રાશિઓ માટે રહેશે લાભદાયક, મળશે સારા સમાચાર