કાનપુર હિંસાના માસ્ટરમાઈન્ડની ધરપકડ, અત્યાર સુધીમાં 500થી વધુ લોકો સામે કેસ
કાનપુરમાં શુક્રવારની નમાજ દરમિયાન ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ ઝફર હયાતની ધરપકડ કરી છે. ઝફર પર આરોપ છે કે તેણે હિંસા પહેલા ઉશ્કેરણીજનક પોસ્ટર લગાવ્યા હતા. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 35થી વધુ લોકોની ધરપકડ કરી છે, સાથે જ 500થી વધુ લોકોના નામ પણ સામે આવ્યા છે. આ મામલામાં ત્રણ FIR નોંધવામાં આવી છે.
એવું કહેવામાં આવ્યું છે કે ઝફર હયાતે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદની મુલાકાતને લઈને બંધની અપીલ કરી હતી. તેની સાથે પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને હિંસા ફેલાઈ ગઈ. જો કે હયાતના પરિવારે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. હયાતના પરિવારે જણાવ્યું કે પોલીસની હાજરીમાં હયાતે પોતાનું નિવેદન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. જે બંધની અપીલ કરવામાં આવી હતી તે પાછી ખેંચી લેવામાં આવી હતી. ઝફર હયાતને ફસાવી દેવામાં આવ્યો હોવાનો આરોપ લગાવતા હયાતના પરિવારે કહ્યું કે પોલીસે તેમની જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી.
કેવી રીતે થઈ હિંસા?
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, કેટલાક દિવસ અગાઉ ટીવી પર એક કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા નુપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેના વિરોધમાં અથડામણ થઈ હતી. પરેડ, નાઈ સડક અને યતિમખાના વિસ્તારોમાં એક સમુદાયના સભ્યોએ શુક્રવારની નમાજ પછી બળજબરીથી દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસ કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 40 લોકો ઘાયલ થયા છે.