વર્લ્ડ

ચીનમાં 300 કિમીની ઝડપે દોડતી બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરતા ડ્રાઈવરનું મોત, અનેક લોકો ઘાયલ

Text To Speech

ચીનમાં એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે. ગુઇઝોઉ પ્રાંતમાં 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી બુલેટ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું છે અને અનેક મુસાફરો ઘાયલ થયા હોવાનું જણાઈ રહ્યું છે. બુલેટ ટ્રેન ચીનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત ગુઇયાંગથી દક્ષિણ પ્રાંત ગુઆંગઝૂ તરફ દોડી રહી હતી. ત્યારે શનિવારે સવારે 10.30 વાગ્યે ગુઇઝોઉના એક સ્ટેશન પર ભૂસ્ખલનને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેમાં ટ્રેનના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ટનલના પ્રવેશદ્વાર પર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ
જ્યારે ટ્રેન યુઝાઈ ટનલના પ્રવેશદ્વાર પર પહોંચી ત્યારે ટ્રેનના સાતમા અને આંઠમા ડબ્બાના વ્હીલ પાટા પરથી ઉતરી ગયા હતા. તમામ ઘાયલ મુસાફરોને સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને અન્ય 136 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આવી ઘટના પહેલા પણ બની હતી
આ પહેલા પણ મધ્ય ચીનના હુનાન પ્રાંતમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તે ઘટના દરમિયાન રેલ્વે પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું અને 4 ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે 123 ને સામાન્ય ઈજાઓ થઈ હતી. ત્યારે પણ અકસ્માતનું કારણ અવિરત વરસાદ અને ભૂસ્ખલન જ હતું.

આ ટ્રેનની ઝડપ 350 કિલોમીટર પ્રતિ કલાક થવાની હતી
ચીનના રેલ્વેએ દ્રારા દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંત સાથે બેઇજિંગને જોડતી હાઇ-સ્પીડ રેલ્વેની ઓપરેટિંગ સ્પીડ વધારીને 350 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ પાટા પરથી ઉતરી જવાની નવીનતમ ઘટના બની છે. ચીન રેલ્વેના જણાવ્યા અનુસાર આટલી ઝડપે દોડનારી તે ચીનની પાંચમી હાઈ-સ્પીડ રેલ બનશે.

1,330 કિમીની સફર માત્ર 3 કલાકને 48 મિનિટમાં
ચીનમાં 20 જૂનથી આ ટ્રેન મધ્ય હુબેઈ પ્રાંતની રાજધાની વુહાન સાથે બેઈજિંગને જોડતા સેક્શન પર 350 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે. સ્પીડ વધાર્યા પછી બેઇજિંગથી વુહાન સુધીનો લઘુત્તમ પરિવહન સમય ઘટીને 3 કલાક અને 48 મિનિટ થઈ જશે, જે લગભગ 1,330 કિમીની મુસાફરી છે.

Back to top button