સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યકારી કુલપતિ અને રજીસ્ટ્રાર સામે વધુ એક પૂર્વ સિન્ડિકેટ મેમ્બરે બાંયો ચડાવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારથી કાર્યકારી કુલસચિવની નિમણુંક કરવામાં આવી છે ત્યારથી આ વિદ્યાધામ સતત ચર્ચા અને વિવાદોમાં રહ્યું છે. સેનેટ – સિન્ડિકેટની ચૂંટણી ન કરવી, સભ્યોના જવાબો ન સાંભળવા, સિન્ડિકેટ મેમ્બરને સસ્પેન્ડ કરવા જેવા અનેક કિસ્સાઓ ઉપરાંત પેપર ફૂટવા, દારૂની બોટલો કેમ્પસમાંથી મળવી એ જાણે સામાન્ય બાબત થઈ ગઈ હોય તેમ લાગે છે. વધુમાં આ વિદ્યાધામ હવે રાજકીય અખાડો બની ગયો હોય તેમ કાવા દાવા થઈ રહ્યા છે તેવામાં આજે વધુ એક પૂર્વ સિન્ડિકેટ મેમ્બર દ્વારા કાર્યકારી કુલપતિ અને રજીસ્ટ્રાર સામે બાંયો ચડાવી આક્ષેપો કરવામાં આવ્યા છે.
કોણે ? શું આક્ષેપો કર્યા ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને પર્ફોર્મિંગ આર્ટસ વિભાગના પૂર્વ વડાને તેમના પદ ઉપરથી કાર્યકારી કુલપતિ ડો.ગીરીશ ભીમાણીએ હટાવ્યા હતા. ભીમાણીએ લીધેલા નિર્ણય અંગે તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં એક અરજી આવી હતી જેમાં કલાધાર આર્ય પાસે લાયકાત ન હોવા છતાં તેને વડા બનાવાયા છે. જે અંગે તપાસ કરતા તેઓની અયોગ્ય લાયકાતને લીધે તેમને પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા.
શું કહે છે ડો.કલાધાર આર્ય ?
ડો.કલાધર આર્યનું પદ છીનવાતા કાર્યકારી કુલપતિ ડો. ભીમાણી અને રજીસ્ટ્રાર પારેખ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે, જામજોધપુરના આંબરડી ગામના નંદાભાઈ કડમૂલ નામના વ્યક્તિએ મારી વિરૂદ્ધ કાર્યકારી કુલપતિને અરજી કરી હતી. પરંતુ મેં જાત તપાસ કરી તો નંદાભાઈ કડમુલ નામનો કોઈ વ્યક્તિ જ ન હોવાનો ખુલાસો થયો છે. વધુમાં કાર્યકારી કુલપતિએ તરકટ રચ્યું અને ખોટી રીતે પદ છીનવી લીધું છે. આ ગંભીર બનાવ અંગે હું IPC કલમ 420, 419, 409 અને 120 (બી) હેઠળ તેમના વિરુદ્ધ ફોજદારી કરી કાયદેસરની કાર્યવાહી કરીશ.