રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યો નારાજ, CM ગેહલોત મનામણાં કરવા પહોંચ્યા
નેશનલ ડેસ્ક: રાજસ્થાનમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે 10 જૂને યોજાનાર મતદાનને લઈને કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે. કોંગ્રેસના બે ધારાસભ્યો, બીએસપીના ચાર, ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) અને સીપીઆઈ(એમ)ના બે-બે ધારાસભ્યો ગુમ થઈ ગયા છે. જેના કારણે કોંગ્રેસના સમીકરણો ખોરવાઈ ગયા છે. ત્યારે ગેહલોતની સલાહ પર પ્રવાસનપ્રધાન વિશ્વેન્દ્ર સિંહ આજે સવારે સરકારથી નારાજ બસપામાંથી કોંગ્રેસમાં જોડાયેલા ધારાસભ્યોને મળ્યા હતા અને તેમને મનાવવા માટે પ્રયાસ કર્યો હતો.
સીએમ ગેહલોત નારાજ ધારાસભ્યોને મનાવવામાં વ્યસ્ત
અત્યાર સુધી કોંગ્રેસના 125 ધારાસભ્યોમાંથી માત્ર 75 ધારાસભ્યો જ ઉદયપુરની તાજ હોટલમાં પહોંચ્યા છે. હોટેલ સુધી ન પહોંચેલા ધારાસભ્યોને સમજાવવાની જવાબદારી ખુદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સંભાળી છે. દરમિયાન બસપા છોડીને કોંગ્રેસમાં જોડાતા રાજેન્દ્ર ગુડાએ શુક્રવારે કહ્યું કે, અમે તેમની સરકાર બચાવી છે. પરંતુ અમારા સાથીઓને યોગ્ય સન્માન મળ્યું નથી. જ્યારે બીએસપી છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્યોની સત્તામાં ભાગીદારી અંગે સીએમ સાથે વાત કરવામાં આવે છે, ત્યારે તેઓ કહે છે કે, રાજ્યના પ્રભારી અજય માકને તેમના વચનનો વિશ્વાસઘાત કર્યો છે. જ્યારે બીજી બાજુ સરકારે સાદીવર્દીમાં હોટેલ સુધી ન પહોંચેલા ધારાસભ્યોના નિવાસસ્થાન અને અન્ય સ્થળોએ પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે, જેઓ તેમની દરેક પ્રવૃત્તિની માહિતી ઉચ્ચ સ્તરે પહોંચાડી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે પોલીસ પર જાસૂસીનો આરોપ લગાવ્યો છે.
રાજ્યસભાની ચૂંટણીને ચિંતાને ધ્યાનમાં લેતા ભાજપે 5 જૂને પાર્ટીના તમામ ધારાસભ્યોને પ્રદેશ કાર્યાલય પર બોલાવ્યા છે. અહીં તમામ 71 ધારાસભ્યોને 10 જૂન સુધીમાં હરિયાણાની એક હોટલમાં લઈ જવાની યોજના છે. ભાજપના ધારાસભ્યોની સાથે નેશનલ ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ ધારાસભ્યો પણ જઈ શકે છે.
આ ધારાસભ્ય કોંગ્રેસથી નારાજ
કોંગ્રેસના બે ધારાસભ્યો રાજેન્દ્ર સિંહ વિધુરી અને ગિરરાજ સિંહ મલિંગા હોટેલમાં જવા તૈયાર નથી. બંને અલગ-અલગ કારણોસર સરકારથી નારાજ છે. ગયા વર્ષે ડુંગરપુર આંદોલનમાં પાંચ હજાર આદિવાસીઓ સામે નોંધાયેલા 67 કેસ પાછા ખેંચવાની શરતે જ BTPના ધારાસભ્યો કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે. સીપીઆઈ(એમ)ના બંને ધારાસભ્યોએ 5 જૂને નિર્ણય લેવાનું કહ્યું છે. નાગરિક સંરક્ષણ પ્રધાન રાજેન્દ્ર ગુડા, ધારાસભ્ય વાજીબ અલી, સંદીપ યાદવ અને BSPમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા લખન મીના ભીરી કોંગ્રેસની આડમાં જવા તૈયાર નથી. આ ધારાસભ્યોએ કહ્યું કે, અમે હોટેલમાં બંધ રહી શકીએ નહીં. અપક્ષ ધારાસભ્યો રમીલા ખાડિયા, બલજીત યાદવ અને ઓમપ્રકાશ હુડલા પણ હજુ સુધી ઉદયપુર પહોંચ્યા નથી.
200 ધારાસભ્યો મતદાન કરશે
કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનિક, પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ઘનશ્યામ તિવારીને ઉમેદવાર બનાવવાની સાથે અપક્ષ સુભાષ ચંદ્રાને સમર્થન આપ્યું છે. 200 સભ્યોની વિધાનસભામાં દરેક ઉમેદવારને જીતવા માટે 41-41 મતોની જરૂર છે. જ્યારે કોંગ્રેસ પાસે 109 વોટ છે અને કોંગ્રેસે 126 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. કોંગ્રેસને અત્યાર સુધી આશા હતી કે, સરકારને ટેકો આપતા તમામ 13 અપક્ષો, BTP અને CPI(M) ધારાસભ્યો સાથે રહેશે. પરંતુ 11 ધારાસભ્યોએ હજુ સુધી પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું નથી. કોંગ્રેસના ત્રણ ઉમેદવારોની જીત માટે 123 ધારાસભ્યોના મત જરૂરી છે. બદલાયેલા સંજોગોમાં જો ત્રણ ધારાસભ્યોના મતો પણ અહીં-તહીં ફરે તો કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થઈ શકે છે. ત્યારે ભાજપ કોંગ્રેસની વોટબેંકમાં ખાડો પાડવાનો પ્રયત્ન કરી રહી છે.