અંબાજી : વિખૂટાં પડી ગયેલા વયોવૃદ્ધ દંપતિનું સુખદ મિલન કરાવ્યું
પાલનપુર : ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અંબાજીમાં બનાસકાંઠા જિલ્લા વહિવટીતંત્રનો સંવેદનશીલ માનવીય અભિગમ જોવા મળ્યો હતો. જેમાં તંત્રના અધિકારીઓએ પરિક્રમા પથ પર પોતાના પતિથી વિખુટા પડી ગયેલા એક મહિલાના પતિને શોધીને પતિ પત્નીનું સુખદ મિલન કરાવ્યું હતું. ગાંધીનગરના વતની આ વયોવૃદ્ધ દંપતિને સરકારી વાહનમાં બેસાડી બસ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હતી.
અંબાજી ખાતે આજથી શરૂ થયેલ ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ માં સમગ્ર ગુજરાતમાં થી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે અને આબાલવૃદ્ધ સૌ ભકતોએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. જેમાં ગાંધીનગર જીલ્લાના ગલુદન ગામના 75 વર્ષનાં રાઈબેન સોલંકી તેમના પતિ નાથાભાઇ સાથે અંબાજી આવ્યાં હતાં. દરમિયાન ગબ્બર તળેટીમાં ભીડમાં રાઈબેન પોતાના પતિ નાથાભાઈ સોલંકીથી વિખુટા પડી ગયા હતા. ઘણી શોધખોળ કરવા છતાં તેમના પતિ ન મળતાં વૃદ્ધ રાઈબેન એકલાં પડી ગયાં હતાં અને રડવા લાગ્યાં હતાં. આ દંપતિ વિખૂટું પડ્યું હોવાનું ધાનેરા પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલના ધ્યાને આવતાં આ બાબતની કલેકટરને જાણ કરી તેમના પતિની શોધ ખોળ શરૂ કરી હતી.
દંપતીએ તંત્રનો આભાર માની અધિકારીઓની સેવાને બિરદાવી
બાદમાં તંત્રની મહેનત રંગ લાવી હતી અને રાઈબેનના પતિ નાથાભાઈ સોલંકી મળી આવતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. તંત્રના આ માનવીય અને સંવેદનશીલ કાર્યથી વૃદ્ધ દંપતિના ચહેરા પર ખુશી જોવા મળી હતી. તેઓએ તંત્રનો આભાર માની અધિકારીઓની સેવાને બિરદાવી હતી. આ સમગ્ર માનવીય કાર્યમાં દાંતા મામલતદાર સુશ્રી હર્ષાબેન રાવલ, નાયબ મામલતદાર જસવંત ડાભી અને અમરત ચૌધરીએ સરકારી કામગીરીની સાથે માનવતાના દર્શન કરાવ્યા હતા.
મુંબઈથી આવેલા સોનલબેન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની સુવિધાઓ જોઈ ખુબ પ્રભાવિત થયા
મુંબઈના રહેવાસી શ્રીમતી સોનલબેને સોશિયલ મીડિયામાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું સ્ટેટ્સ જોઈને ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરાવી અંબાજી ખાતે આવ્યા હતા. તેમણે આજે પ્રથમ દિવસે પરિક્રમા પથ પર 51 શક્તિપીઠના દર્શન કર્યા હતા અને મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ જેવી કે ચા, પાણી, નાસ્તો, સફાઈ વગેરેના ખુબ વખાણ કર્યા હતા. સોનલબેને ગુજરાત સરકાર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તથા સર્વે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : પાલનપુર : શક્તિપીઠ અંબાજી ખાતે પંચ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ધર્મમય માહોલમાં પ્રારંભ