આજે ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, જાણો શું છે બંને ટીમની સ્થિતિ
આજનો દિવસ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ બની રહેવાનો છે. જેમાં આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામેની મેચની સાથે મહિલા ટી-20 વર્લ્ડકપના મિશનનો પ્રારંભ કરશે. ભારત પાકિસ્તાન સામે એક તરફી વિજય મેળવવા માટે ફેવરિટ મનાય છે. કેપ ટાઉનમાં ભારતીય સમય પ્રમાણે સાંજે 6.30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.
કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમ ટી-20 વર્લ્ડકપમાં પહેલીવાર ચેમ્પિયન બનવા માટે સ્ટ્રોગ છે. જોકે ભારત માટે એક ખરાબ સમાચાર પણ છે કે, ભારતની ઓપનિંગ બેટર સ્મૃતિ મંધાના ઈજાગ્રસ્ત હોવાથી પાકિસ્તાન સામેની મેચમાં રમવાની નથી. જેનાથી ભારતીય ટીમને થોડી મુશ્કેલી થઈ શકે પરંતુ ટીમના બેટિંગ માટે શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્યુઝ જેવી બેટર્સ પર સૌ કોઈની નજર રહેશે. જ્યારે દીપ્તિ શર્મા તેમજ પૂજા વસ્ત્રાકરનો ઓલરાઉન્ડ દેખાવ નિર્ણાયક સાબિત થઈ શકે છે.
છેલ્લે ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચે એશિયા કપમાં ટી-20 રમાઈ હતી, જેમાં પાકિસ્તાને 13 રનથી અણધારી જીત મેળવી હતી. હવે ભારત વળતો પ્રહાર કરતાં ટી-20 વર્લ્ડકપમાં વિજયી શુભારંભ કરવા માટે ફેવરિટ મનાય છે. મહિલા ટીમનો ટી-20 વર્લ્ડકપ અગાઉની ત્રિકોણીય જંગની ફાઈનલમાં યજમાન સાઉથ આફ્રિકા સામે પરાજય થયો હતો. આ ઉપરાંત ભારત પ્રેક્ટિસ મેચમાં પણ ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતુ. જે પછી આખરી પ્રેક્ટિસ મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું હતુ.
આ પણ વાંચો : BCCIનો મોટો નિર્ણય, ત્રીજી ટેસ્ટ મેચની જગ્યા બદલાઈ, હવે આ મેચ ક્યાં રમાશે?
પાકિસ્તાનની ટીમની સ્ટાર ટુ વોચ તરીકે કેપ્ટન બિસ્માહ મહારુફ અને નીદા દાર રહેશે. પાકિસ્તાનની ટીમ ટી-20વર્લ્ડકપ અગાઉ ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી રમી હતી. જ્યારે તેમણે પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતુ. જોકે તેઓ સાઉથ આફ્રિકા સામે હાર્યા હતા.