દેશમાં સૌથી મહત્વનો કોરિડોર કહી શકાય એવા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું, જે સોહના દૌસા લાલસોટના 246 કિમી છે, તેનું આજે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. જેના પરિણામે દિલ્હી અને જ્યપુર વચ્ચેનું અંતર માત્ર બે કલાકમાં કાપી શકાશે. જ્યારે આ હાઇવે તૈયાર થશે ત્યારે 1386 કિમીનું દિલ્હી મુંબઈનું અંતર માત્ર 12 કલાકમાં જ કાપી શકાશે.
ખાસ આ હાઈવેથી દેશના મહત્વના 12 જેટલા મોટા શહેરોને એકબીજાની સાથે કનેક્ટ કરવામાં આવશે. જેમાં મુંબઈથી શરૂ કરીને ગુજરાતમાં સુરત અને વડોદરા થઈને પસાર થશે. . NHAI અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી દિલ્લીથી જયપુરની મુસાફરીમાં ચારથી પાંચ કલાકનો સમય લાગતો હતો, જ્યારે મુંબઈનું અંતર 24 કલાકથી ઓછા સમયમાં કવર કરી શકાતું હતું. પરંતુ આ એક્સપ્રેસ વે પર દિલ્લીથી નીકળીને તમે માત્ર બે કલાકમાં જયપુર અને આગામી દસ કલાકમાં મુંબઈ પહોંચી શકાશે.
NHAI અનુસાર, વિશ્વસ્તરીય સુવિધાઓ સાથેનો આ 1386 કિમીનો એક્સપ્રેસ વે અનેક ભાગોમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેનો પહેલો સ્ટ્રેચ સોહના દૌસા લાલસોટ 246 કિમીનો રોડ તૈયાર છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના દૌસામાં તેનું ઉદ્ઘાટન કરશે. આ અવસર પર, આ તબક્કાના બીજા છેડે, કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ આ રસ્તા પરથી બેરીયર દૂર કરીને લોકો માટે ખુલ્લો મુકશે.
વડાપ્રધાન કાર્યાલયે આ પ્રોજેક્ટને દેશના વિકાસનું એન્જિન ગણાવ્યું છે. આ એક્સપ્રેસ વે દેશનો પ્રથમ સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. તેની કુલ લંબાઈ 1,386 કિમી છે. આ એક્સપ્રેસ દિલ્લીથી મુંબઈનું અંતર 12 ટકા ઘટાડશે. હાલમાં, દિલ્લીથી મુંબઈ રોડ માર્ગે 1,424 કિમી છે. અત્યાર સુધી આ પ્રવાસને કવર કરવામાં 24 કલાકનો સમય લાગતો હતો. પરંતુ આ એક્સપ્રેસ વે દ્વારા મુંબઈ માત્ર 12 કલાકમાં પહોંચી શકાય છે. આ એક્સપ્રેસ દેશના છ મોટા રાજ્યોમાંથી પસાર થશે. જેમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ગુરુગ્રામ, કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરો દિલ્લી અને મુંબઈ સાથે સીધા જોડાઈ જશે.
આ પણ વાંચો : PM મોદીની 10 જાહેર સભા, 10800 KMની સફર, 90 કલાકમાં અનેક કાર્યક્રમો છતાં એ જ ઉત્સાહ અને એ જ સ્ટાઇલ