RSS વડાના નિવેદનના વિવાદમાં VHP નેતા ઉપર BJP કાર્યકર્તાનો ગોળી ધરબી હુમલો
આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનના વિવાદમાં મુરાદાબાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના મહાનગર સહમંત્રી સંતોષ પંથરી (ઉ.વ.28)ને શનિવારે સાંજે દિલ્હી રોડ પર ગોળી મારી દેવામાં આવી હતી. ઈજાગ્રસ્ત સંતોષને સાંઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા મોહન ભાગવતના નિવેદનને લઈને સંતોષનો ફેસબુક પર ભાજપના નેતા સાથે વિવાદ થયો હતો. ત્યારે આરોપી બીજેપી નેતાએ ત્રણ દિવસ પહેલા મોહન ભાગવતના નિવેદન સામે સીઓને મેમોરેન્ડમ આપ્યું હતું.
શું છે આખી ઘટના ?
મળતી માહિતી મુજબ, ન્યૂ મુરાદાબાદ નિવાસી VHP સહમંત્રી સંતોષ પંથરી શનિવારે કટઘર ખાતે આયોજિત સંગઠનના કેન્દ્રીય મહાસચિવની બેઠકમાં ભાગ લેવા ગયા હતા. મીટીંગ પૂરી થયા પછી, તેઓ સંસ્થાના મહાસચિવ અવિનાશ ગુપ્તા અને ખજાનચી યોગેશ ત્યાગી સાથે દિલ્હી રોડ પર HDFC બેંકની સામે ઈ-રિક્ષામાં ઉતર્યા. જ્યાં ત્રણેય એકબીજા વાતચીત કરવા લાગ્યા હતા. દરમિયાન બાઇક પર આવેલા આરોપીએ સંતોષને કહ્યું કે, જે પરશુરામનું નથી તે મારા કામનું નથી. આ પછી તેણે સંતોષ પર ફાયરિંગ કર્યું હતું. ગોળી સંતોષના પેટમાં વાગી અને તે નીચે પડી ગયો હતો. હુમલા બાદ આરોપીઓ બાઇક પર ફરાર થઇ ગયા હતા.
હુમલાખોર ભાજપ કારોબારીનો સભ્ય
આરોપી ભાજપ નેતા બ્રાહ્મણ મહાસભા સાથે પણ સંકળાયેલો છે. બંને સાથી ઘાયલ સંતોષને લઈને સાંઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સંતોષ સારવાર હેઠળ છે. ઘટનાની માહિતી મળતાં જ એસપી સિટી અખિલેશ ભદોરિયા, સીઓ ડૉ.અનુપ સિંહ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. VHP નેતાઓ અવિનાશ ગુપ્તા અને યોગેશ ત્યાગીનું નિવેદન લીધું હતું. એસપી સિટીએ જણાવ્યું કે આરોપીઓએ થોડા દિવસો પહેલા આરએસએસ ચીફ વિરુદ્ધ પોલીસને મેમોરેન્ડમ આપ્યું હતું. મોહન ભાગવતના નિવેદનને લઈને ફેસબુક પર બંને વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો હતો. પૂછપરછના આધારે પોલીસ હુમલાખોરને શોધી રહી છે. હુમલાખોર ભાજપ કારોબારીનો સભ્ય હોવાનું કહેવાય છે. બંને એકબીજાના મિત્રો હતા.