દેશમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ હવામાનમાં ઝડપથી ફેરફાર થયો છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેની વિદાય બાદ ફરી ઘણા રાજ્યોમાં તેના તાપમાનમાં ઘટાડો અને વધારો જોવા મળશે ઉપરાંત ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં ઠંડી પણ વધશે. હવામાનની આગાહી કરતી સ્કાઈમેટના આ બાબતે જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ હવાની દિશા દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-તરફ બદલાઈ જવાની છે. જેના કારણે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના પશ્ચિમ ભાગો સહિત આખા રાજસ્થાનમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
કેટલાક રાજ્યોમાં પારો સિંગલ ડીઝીટ ઉપર પહોંચી શકે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી સપાટી પર પવનો પણ ફૂંકાશે. આ રાજ્યોમાં લઘુત્તમ તાપમાનનો પારો ડબલ ડીઝીટમાં છે, જે ફરી સિંગલમાં આવી શકે છે, જોકે આ ઘટાડો લાંબા સમય સુધી નહીં રહે અને 14 ફેબ્રુઆરી બાદ તાપમાનમાં ફરી વધારો થશે. 14 ફેબ્રુઆરીથી પશ્ચિમ હિમાલય સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે, જેના કારણે પવનની દિશા બદલાયા બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે આ તાપમાનની તીવ્રતા ઓછી હશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. તો હવે કહી શકાય કે, ઉત્તર પશ્ચિમ ભારતમાંથી શિયાળો લગભગ પૂર્ણ થયો છે. લાંબા સમયની આગાહી મુજબ ફેબ્રુઆરી અને માર્ચમાં ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના ભાગોમાં તાપમાન સામાન્ય કરતા થોડું વધારે રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં સવારે અને સાંજે ઠંડી, બપોરે ગરમી રહેશે
આ બદલાવ અંગે ગુજરાતના હવામાનની વાત કરીએ તો અહીં સવારે અને સાંજે ઠંડી અને બપોરે ગરમી હોવાથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો પણ અનુભવાઈ રહ્યો છે કારણકે રાજ્યના કેટલાક શહેરોમાં ઝડપી ઠંડા પવનો અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે હજુ પણ રાજ્યના વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી સમયમાં વહેલી સવારથી ઠંડીની અસર અને વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે, જેના કારણે એક દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની પણ સંભાવના છે. રાજ્યમાં તાપમાન સવારે 13 ડિગ્રી તો બપોરે 34 ડિગ્રી આસપાસ રહી શકે છે, જેના કારણે લોકો પર બેવડી સિઝનની અસર પડી શકે છે. ઉત્તર તરફથી પવનો ફૂંકાવાની અસર રાજ્યમાં જોવા મળી શકે છે અને તેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.