ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાથ પર ક્રીમ લગાવતો હોવાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેના પર ઓસ્ટ્રેલિયન મીડિયા અને નિષ્ણાતોએ ઉગ્ર હંગામો મચાવ્યો હતો અને ‘બોલ ટેમ્પરિંગ’નો આરોપ પણ લગાવ્યો હતો. હવે ICCએ આના પર મોટી કાર્યવાહી કરી છે અને પરવાનગી વિના ક્રીમ લગાવવા બદલ જાડેજાને દંડ ફટકાર્યો છે. ભારતની આ જીતમાં સૌથી મહત્વની ભૂમિકા રવિન્દ્ર જાડેજાએ ભજવી હતી, જેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જાડેજાની સર્વત્ર પ્રશંસા થઈ રહી હતી, ત્યારે તેનો આંગળી પર ક્રીમ લગાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પર હવે ICCએ મોટી કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો : Ind vs Aus : ભારતે પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ અને 132 રનથી આપી માત
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે રવિન્દ્ર જાડેજા પર લેવલ 1 હેઠળ કાર્યવાહી કરી છે. જાડેજા પર અમ્પાયરની પરવાનગી વગર આંગળી પર ક્રીમ લગાવવાનો આરોપ છે, જોકે ICCને તેની સમીક્ષામાં બોલ ટેમ્પરિંગના કોઈ પુરાવા મળ્યા નથી. લેવલ 1 ચાર્જ હેઠળ, જાડેજાને તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં જાડેજાનો આ પહેલો ડિમેરિટ પોઈન્ટ છે. આઈસીસીએ જાડેજાને કલમ 2.20 હેઠળ દોષિત ગણાવ્યો છે.
???? JUST IN: India star handed penalty for ICC Code of Conduct charge during first Test against Australia!#WTC23 | #INDvAUS | Details ????
— ICC (@ICC) February 11, 2023
જ્યારે રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ દરમિયાન લબુશેન અને સ્ટીવ સ્મિથને આઉટ કર્યા હતા, તે પછીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આમાં જાડેજા પોતાના હાથ પર ક્રીમ લગાવતો જોવા મળે છે, જો કે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે બોલ પર કંઈ પણ લગાવતો નથી. તેમ છતાં ઓસ્ટ્રેલિયન મીડિયા તેના પર ‘બોલ ટેમ્પરિંગ‘ના ખોટા આરોપો લગાવવાનું શરૂ કર્યું હતું. ઓસ્ટ્રેલિયન ટીમે આ મામલાને લઈને કોઈ ફરિયાદ કરી નથી અને હવે આઈસીસીએ પોતે જ તેના પર કાર્યવાહી કરી છે.