“ન્યાયાધીશોના ટ્રાન્સફરનો કોઈ સમય નિર્ધારિત હોતો નથી ” : કાયદા મંત્રી કિરેન રિજિજુ
સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે હજુ પણ જજોની બદલી અને પ્રમોશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે કોર્ટે સરકારને કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. ત્યારે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ હાઈકોર્ટના જજોની બદલીને લઈને મહત્વની માહિતી આપી હતી. તેમણેગઈ કાલે લોકસભામાં જણાવ્યું હતું કે હાઈકોર્ટના 10 જજોની બદલીનો પ્રસ્તાવ પ્રક્રિયામાં છે.
મંત્રી કિરેન રિજિજુએ આપ્યો જવાબ
એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે હાઇકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક અને ટ્રાન્સફર માટે મેમોરેન્ડમ ઑફ પ્રોસિજરમાં કોઈ સમયરેખા નક્કી કરવામાં આવી નથી. માર્ચ 2016માં SCની પાંચ જજની બંધારણીય બેંચના નિર્દેશો પર તૈયાર કરાયેલા નવા ડ્રાફ્ટને CJIની આગેવાની હેઠળની કૉલેજિયમ દ્વારા મંજૂરી મળવાની બાકી હોવાથી સરકાર હજુ પણ જૂના MoP પર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
કોર્ટે કેન્દ્રને વહીવટી અને ન્યાયિક કાર્યવાહીની આપી હતી ચેતવણી
નોંધનીય છે કે SCએ 3 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે હાઈકોર્ટના ન્યાયાધીશોના પ્રમોશન અને ટ્રાન્સફર અંગે કેન્દ્રનો અભિગમ એકદમ ઢીલો છે અને સુપ્રીમ કોર્ટને હવે મુશ્કેલ અને અપ્રિય નિર્ણય લેવાની ફરજ પડશે. કોર્ટે કેન્દ્રને વહીવટી અને ન્યાયિક કાર્યવાહીની ચેતવણી આપી હતી. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે ટ્રાન્સફર લિસ્ટમાં સામેલ જજોને વધુ વિલંબના કિસ્સામાં ન્યાયિક કામ આપવામાં નહી આવે.
જજોના ટ્રાન્સફર માટે કોઈ સમયરેખા નક્કી કરવામાં આવી નથી
કોર્ટની કડક ટિપ્પણી છતાં, કિરેન રિજિજુએ ગઈ કાલે પુનરોચ્ચાર કર્યો, ‘એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં જજોના ટ્રાન્સફર માટે MoPમાં કોઈ સમયરેખા નક્કી કરવામાં આવી નથી.’ તેમણે કહ્યું હતું કે ટ્રાન્સફર લિસ્ટમાં 10 જજો અંગેની ભલામણ હજુ પેન્ડિંગ છે.
બદલીઓ જાહેર હિતમાં કરાતી હોય છે
રિજિજુએ જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘બધી બદલીઓ જાહેર હિતમાં કરવામાં આવતી હોય છે, એટલે કે સમગ્ર દેશમાં ન્યાયના વધુ સારા વહીવટને પ્રોત્સાહન આપવા માટે MoPની જોગવાઈ હેઠળ ભારતના મુખ્ય ન્યાયાધીશની પણ બદલી કરી શકાય છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસના મંતવ્યો ધ્યાનમાં લેવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
આ પણ વાંચો : Flipkart, Amazon, Tata 1mg સહિતની 20 કંપનીઓને નોટીસ ફટકારવામાં આવી, જાણો શું છે કારણ