અમદાવાદઃ ગુજરાત બોર્ડનું ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. ત્યારે સૌથી વધુ પરિણામ 95.41 ટકા ડાંગ જિલ્લાનું આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ 76.49 વડોદરા જિલ્લાનું આવ્યું છે.
આ ઉપરાંત ગુજરાતમાં ત્રણ કેન્દ્રોનું પરિણામ 100 ટકા આવ્યું છે. સુબીર, છાપી અને અલારસા કેન્દ્રનું પરિણામ 100 ટકા જાહેર થયું છે. સૌથી ઓછું 56.43 ટકા પરિણામ ડભોઈ કેન્દ્રનું આવ્યું છે. ગુજરાતની 1064 સ્કૂલોનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે માત્ર એક જ સ્કૂલનું પરિણામ 10 ટકા જેટલું નીચું આવ્યું છે.
ગુજરાતના વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતાં 4.56 ટકા જેટલું વધારે આવ્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ 84.67 ટકા આવ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 89.23 ટકા આવ્યું છે.
જ્યારે 6 જૂને ધોરણ 10નું પરિણામ જાહેર થશે. નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટ્રીના પૂરી થતાં હવે પરિણામ જાહેર થશે. પહેલાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને તે બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થશે.
ગઈકાલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ અંગે ટ્વિટ કરી જાણકારી આપી હતી. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગયા વર્ષે માસ પ્રમોશનને કારણે પરિણામ સો ટકા જાહેર થયું હતું. પરંતુ આ વર્ષે પરિક્ષાઓ યોજાઈ હતી.
શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં શરૂઆતમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાયો હતો. જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો વ્યસ્ત હતા. જેના કારણે પરિણામ જાહેર કરી શકાયું ન હતું. હવે કોન્ફરન્સ પૂરી થતાં અધિકારીઓ અને શિક્ષકો પરિણામના કામમાં લાગ્યા હતા. હવે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 6 જૂને ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થશે. દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ gseb.org પર પણ પરિણામ જાહેર થશે. ત્યારબાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.
આ વર્ષે ધોરણ 12 સાયન્સનું 72.2 ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા, જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.19 ટકા આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 33.33% પરિણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 અને A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થી પાસ થયા છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે.