ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ, જાણો આ વખતે ક્યાં મુદ્દે કરી રજૂઆત
પોતાની જ સરકાર સામે શિંગડા ભેરવવા માટે જાણીતા વરાછાના દબંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી આજે ફરી એક વાર લેટર બોમ્બ ફોડ્યો છે. અગાઉ સુરત મનપા સામે ગંદકીના મામલે પત્ર લખી આંદોલનની ચીમકી આપી હતી ત્યારે આજે કુમાર કાનાણીનો વધુ એક પત્ર લખી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યો છે. કુમાર કાનાણીએ સુરતના ટ્રાફિક DCP ને પત્ર લખી ટ્રાફિકની સમસ્યા અંગે જણાવીને 7 દિવસમાં જવાબ માંગ્યો છે.
કુમાર કાનાણીએ સુરત ટ્રાફિક DCPને લખ્યો પત્ર
વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી એ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. આ વખતે તેઓએ સુરત ટ્રાફિક DCPને પત્ર લખ્યો છે. તેમણે DCPને પત્ર લખી પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો સુરત શહેર હદ વિસ્તારમાં પ્રવેશી રહ્યાં છે તેની ફરિયાદ કરી હતી. તેમણે પત્રમાં લખ્યું છે કે ભારે વાહનો પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરતાં હોવા છતાં પોલીસ દ્વારા આ મામલે સખત કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તેનું કારણ શું છે? તે 7 દિવસમાં જણાવવા કહ્યું છે.
પત્રમાં કાનાણીએ શું લખ્યું ?
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત ટ્રાફિક DCPને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ લક્ઝરી બસો માટે સવારે 7.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8.00 થી બપોરે 1.00 તથા સાંજે 5.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે. પરંતુ આ પ્રતિબંધિત સમયમાં પણ જાહેરનામાનો ભંગ કરીને કોઈપણ ડર વગર બફામ વાહનો ચાલે છે. અને ટ્રાફિક સમસ્યામાં અસહ્ય વધારો કરે છે , પરંતુ આવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, તો આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તેમનું કારણ મને લેખિતમાં દિન-7 માં જણાવશો.
અગાઉ સુરત પાલિકાને ગંદકી મુદ્દે લખ્યો હતો પત્ર
ઉલ્લેખનીય છે કે વારાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના આરોપથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કુમાર કાનાણી અગાઉ પણ અનેક વાર તંત્ર સામે અનેક સવાલ ઉઠાવ્યા છે. થોડા સમય પહેલા જ તેમણે સુરત મનપા સામે ગંદકીના મામલે પત્ર લખી આંદોલનની ચીમકી આપી હતી. ત્યારે તેમના વધુ એક લેટર બોમ્બથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : રાજસ્થાનની જનતાને મુખ્યમંત્રીએ બજેટમાં આપી ભેટ, હવે સરકાર આપશે આટલાં રૂ.માં રસોઈ ગેસ