ડીસા -પાલનપુરના માર્ગ પર સિમેન્ટ, કાંકરી પાથરી દેતા માર્ગ બન્યો ધુળીયો, હવે રોડ કયારે બનશે ?
- વાહન ચાલકો, વેપારીઓ રોજ સમસ્યા ભોગવે છે
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરને જોડતા મુખ્ય માર્ગ પર છેલ્લા દસ દિવસથી રોડ પર સિમેન્ટ અને કાંકરી પાથરી દેવામાં આવતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને આજુબાજુના ધંધા-રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વાહનચાલકો અને વેપારીઓની માંગ છે કે, તાત્કાલિક ધોરણે આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે, જેથી રોજે રોજ ભોગવવી પડતી સમસ્યા દૂર થઈ શકે.
ડીસા અને પાલનપુરને જોડતા મુખ્ય નેશનલ હાઈવે રોડ પર રાજમંદિર સર્કલથી પાલનપુર તરફ જતા રોડ પર હાલમાં નેશનલ હાઇવે પર રોડનું સમારકામ ચાલી રહ્યું છે. જેથી દસ દિવસ પહેલા આ રોડના સમારકામ માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સિમેન્ટ અને કાંકરી પાથરી દેવામાં આવી છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને ડીસા અને પાલનપુરને જોડતો આ મુખ્ય નેશનલ હાઈવે હોવાના કારણે અહીંથી રોજના હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતા મોટા પ્રમાણમાં ધૂળ ઉડતી હોય છે. આ ધૂળના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. અને નાના વાહન ચાલકોને પણ ધૂળ ઉડતા સામેથી અન્ય સાધન આવી રહ્યું છે કે નહીં તે પણ દેખાતું નથી. જેના કારણે દિવસે પણ અહીંથી પસાર થતા વાહન ચાલકોને લાઈટો ચાલુ રાખીને પસાર થવું પડે છે.ત્યારે વાહન ચાલકોની માંગ છે કે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિક ધોરણે હાઇવે ઓથોરિટી દ્વારા આ રોડ નું કામકાજ પૂર્ણ કરવામાં આવે.
જ્યારે હાઈવે આજુબાજુ જે નાના-મોટા ધંધા રોજગારો સાથે સંકળાયેલા વેપારીઓ છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અહીં ખાસ કરીને અનેક હોટલો આવેલી છે જ્યાં રોજેરોજ અનેક વાહન ચાલકો આ હોટલોમાં જમવા માટે આવતા હોય છે, પરંતુ મોટા પ્રમાણમાં ઉડતી ધૂળના કારણે અહીં હોટલોમાં ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રોડની સાઈડમાં અડીને જ મોટાભાગની જમવા માટેની હોટલો આવેલી છે, અને ત્યાં બહારથી આવતા ટ્રક ચાલકો રોજેરોજ જમવા માટે જતા હોય છે, પરંતુ આ રોડ પરથી ઉડતી ધૂળ એ જમવામાં આવતી હોવાના કારણે અહીં હોટલ સંચાલકોને પણ મોટું નુકસાન વેચવાનો વારો આવ્યો છે. ત્યારે હોટલ સંચાલકોનું કહેવું છે કે, તાત્કાલિક ધોરણે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ રોડનું કામકાજ પૂર્ણ કરવામાં આવે જેથી અમારા ધંધા પર કોઈ માઠી અસર પડે નહીં.
આ પણ વાંચો : પાલનપુર : ડીસાની જેનાલ મંડળીના સંચાલકોએ દૂધ અને બનાસદાણ બારોબાર વેચી ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ