તુર્કીમાં ભૂકંપ, સેવા કરવા જવા સુરતનો નર્સિંગ સ્ટાફ તૈયાર
તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ રીલીફ ટીમે સેવા કરવા જવા માટે તૈયારી બતાવી છે. તુર્કીમાં ભૂકંપના કારણે હજારો લોકો મોત થયા છે તો સેકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આરોગ્ય મંત્રીને પત્ર લખી તૈયારી બતાવી
સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખ્યો છે. સુરતથી મેડિકલ રીલીફ ટીમ તુર્કીમાં સેવા કરવા માટે તૈયાર હોવાની રજૂઆત કરી હતી. તેમણે 75 જેટલા મેડિકલ રીલીફ ટીમના સભ્યોના નામ સાથે પત્ર લખી તુર્કીમાં સેવા કરવા જવા માટેની તૈયારી બતાવી આપી છે. ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે સરકારને ગમે ત્યારે જરૂર પડે અને નિર્ણય લેવાનો થાય કે તુર્કીમાં આપણા દેશમાંથી મેડિકલ ટીમ સેવા માટે મોકલવાની છે ત્યારે સુરત નર્સિંગ એસોસિએશન તૈયાર જ છે. માત્ર સરકારના ઈશારાની જ રાહ છે. સરકાર જ્યારે મોકલશે ત્યારે અમારી 75 લોકોની ટીમ જવા માટે એકદમ તૈયાર છે.
આપત્તિમાં નર્સિંગ એસોસિએશન બન્યું મદદરૂપ
સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ આરોગ્ય મંત્રીને પત્ર સાથે જણાવ્યું હતું કે સુરત નર્સિંગ એસોસિએશનની ટીમ દ્વારા ભૂતકાળમાં પ્લેગની બિમારી, ભુકંપ લાતુર, ભુકંપ ભૂજ અને ભુકંપ નેપાળમાં સેવાઓ સરાહનીય કામગીરી કરી ચૂક્યા છે. ફર્સ્ટ રીલીફમાં પણ ઇમરજન્સી મેડીકલ સેવાઓ પૂરી પાડનાર ટીમ હોય ત્યારે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સરકાર તરફથી આદેશો કરવામાં આવે તો મેડીકલ રીલીફ ટીમે સ્વેચ્છાએ સેવામાં જવાની તૈયારી દર્શાવી છે.