હાર્દિક પટેલ સમન્સ છતાં ગેરહાજર, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કરી ટકોર
પાટીદાર આંદોલન સમયે અમદાવાદના નિકોલમાં હાર્દિક પટેલે કરેલા ઉપવાસ બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલને હાજર રહેવા માટે ગ્રામ્ય કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. પરંતુ, નિકોલ કેસમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે ટકોર કરી. ગેરહાજરી પર ટકોર કરતા કોર્ટે કહ્યું કે, ‘અમે મેડિકલ પુરાવા નહીં હાર્દિક પટેલને હાજર રાખવા સમન્સ પાઠવ્યું છે.’
કોર્ટમાં હાર્દિક પટેલનો વિરોધ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આજે સુનાવણી હતી. ત્યારે હાર્દિક પટેલની ગેરહાજરી પર કોર્ટે કહ્યું કે, સમન્સ પાઠવ્યું છતાં હાર્દિક ગેરહાજર રહ્યા હતા. ત્યારે નિકોલ ઉપવાસ કેસમાં ચાર્જફ્રેમમાં મુદત પડી હતી. હાર્દિક પટેલ ગેરહાજર રહેતા વધુ એકવાર મુદત પડી છે. જોકે, હાર્દિક પટેલ ગેરહાજર રહેતા અન્ય આરોપીઓમાં રોષ જોવા મળ્યો હતો. વારંવાર મુદતથી પરેશાન થતા આરોપીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો કોર્ટમાં પાટીદાર આગેવાનોએ હાર્દિક પટેલનો વિરોધ દર્શાવ્યો હતો. જો હાર્દિક પટેલ આ કેસમાં હાજર નહીં રહે તો તેની સામે વોરંટ ઇશ્યુ થઈ શકે છે.
શું છે કેસ ?
આગામી આઠમી ફેબ્રુઆરીએ હાર્દિક પટેલને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવાયું છે. વર્ષ 2018માં 25 ઓગસ્ટે પોલીસ સાથે ગેર વર્તણુંકની ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત ગીતા પટેલ ,કિરણ પટેલ સહિતનાઓ સામે ગુનો નોંધાયો હતો. પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલના કેસમાં હાર્દિક પટેલ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરાઈ છે. હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાર્દિક પટેલ નિકોલમાં અમરણાંત ઉપવાસ પર બેસીને વિરોધ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી.