જ્ઞાનવાપી વિવાદઃ ભાગવતના નિવેદનથી અનેક નેતાઓ નારાજ, જાણો- શું કહ્યું ચક્રપાણી મહારાજ અને ઓવૈસીએ?
જ્ઞાનવાપી મસ્જિદ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે RSSના વડા મોહન ભાગવતના નિવેદન પર રાજકીય ઉકળાટ શરૂ થયો છે. ચક્રપાણી મહારાજથી લઈને ઓવૈસી સુધી તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચક્રપાણિ મહારાજે કહ્યું છે કે મોહન ભાગવત અને સંઘ એ રામ મંદિર માટે કોઈ યોગદાન આપ્યું નથી. તેમણે કહ્યું કે મોહન ભાગવતે આવું નિવેદન ન આપવું જોઈએ. સંઘ પ્રમુખ મોહન ભાગવતે પોતાનું નિવેદન પાછુ ખેંચી લેવું જોઈએ. મૌલાના મદની વિદેશી આક્રમણકારો સાથે છે. શું મોહન ભાગવત પણ વિદેશી આક્રમણકારો સાથે છે?
બીજી તરફ ભાગવતના નિવેદન પર ઓવૈસીએ કહ્યું છે કે જ્ઞાનવાપી પર ભાગવતના ભડકાઉ ભાષણને નજર અંદાજ ન કરવું જોઈએ. તેમણે કહ્યું કે બાબરી માટે આંદોલન “ઐતિહાસિક કારણોસર” જરૂરી હતું. બીજા શબ્દોમાં કહીએ તો RSSએ સુપ્રીમ કોર્ટનું સન્માન ન કર્યું અને મસ્જિદ તોડી પાડવામાં ભાગ લીધો. શું આનો અર્થ એ છે કે તેઓ જ્ઞાનવાપી પર કંઈક આવું જ કરશે?
પક્ષના કાર્યકરો માટે સલાહ
બીજી તરફ ભાગવતના નિવેદન પર કોંગ્રેસના સાંસદ વિવેક ટંખાએ કહ્યું છે કે ભાગવતજીનું નિવેદન, તેમણે તેમના પક્ષના કાર્યકરો માટે આપ્યું છે. તેઓ જાણે છે કે આ સમસ્યા તેમના પક્ષના કાર્યકરોની છે, ભારતના લોકોની નહીં. ભારતના લોકો બધું જ સારી રીતે સમજે છે અને ઓળખે છે. તેમણે પોતાના પક્ષના કાર્યકરોને સમજાવવું જોઈએ કે આજે દેશની અખંડિતતા અને એકતા વધુ જરૂરી છે. અન્ય મુદ્દાઓ પર વારંવાર દેશને વાળવો એ દેશ માટે નુકસાનકારક છે. આજે ખાદ્યપદાર્થોના ભાવ, ઇંધણના ભાવ, બેરોજગારી, યુવા વિકાસ, SC/ST, OBCના ઉત્થાન વધુ મહત્વના મુદ્દા છે.