ખેડૂતો માટે ખુશખબર, રાજ્ય સરકાર આ તારીખથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલેએ જણાવ્યુ હતુ કે, આગામી તા.10 માર્ચથી તા.7 જૂન 2023 દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ 2022-23 માં એડવાન્સ એસ્ટીમેટ મુજબ તુવેરનું 2.10 લાખ હેકટર, ચણાનું 7.31 લાખ હેકટર તથા રાઈનું 3.21 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે.
10 માર્ચથી 7 જૂન 2023 દરમિયાન કરાશે ખરીદી
ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, વર્ષ2022-23માં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર તા.1.02.2023 થી ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જે આગામી તા.28.02.2023 સુધી ચાલુ રહેશે. તા.07-02-23 સુધીમાં તુવેર પાકમાં કુલ 1,431, ચણા પાકમાં 1,16,127 તથા રાયડા પાકમાં 949 ખેડૂતોએ નોંધણી કરાવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી તા.10.03.2023 થી તા.07.06.2023 દરમિયાન ટેકાના ભાવે ખરીદી કરાશે.
આ ભાવે થશે ખરીદી
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલુ વર્ષ 2022-23માં તુવેર પાકનો ટેકાનો ભાવ રૂ.6600 પ્રતિ કિવન્ટલ, ચણાનો રૂ.5335પ્રતિ કિવન્ટલ તથા રાઈનો ભાવ રૂ.5450પ્રતિ કિવન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. તુવેરની ખરીદી 135 કેન્દ્રો, ચણાની ખરીદી 187 કેન્દ્રો અને રાઈની ખરીદી 103 કેન્દ્રો પરથી કરાશે.
આ પણ વાંચો : વાહનોથી થતા પ્રદુષણને અટકાવવા રાજ્ય સરકારે બનાવ્યો એક્શન