સુરતીઓ પર ઝીંકવામાં આવેલ વેરામાં ઘટાડો, આટલા ટકા રાહતની કરવામાં આવી જાહેરાત
સુરત પાલિકા કમિશનરે રજુ કરેલા ડ્રાફ્ટ બજેટમાં 307 કરોડના વેરા અને યુઝર ચાર્જમાં વધારો કરવામા આવ્યો હતો. આજે સ્થાયી સમિતિ દ્વારા બજેટ બેઠક યોજાઈ હતી. જેમાં સામાન્ય મિલકત વેરામાં 50 ટકા રાહતની જાહેરાત કરવામાં આવી છે.
સામાન્ય મિલકત વેરામાં 50 ટકા રાહત
વહીવટી તંત્ર દ્વારા શહેરીજનો પર યુઝર્સ ચાર્જિસ અને મિલકતવેરા પેટે નાંખવામાં આવેલ 307 કરોડના વધારાના મુદ્દે આજે ચર્ચા કરવામાં આવી હતી. બજેટ પર સ્થાયી સમિતિએ સામાન્ય મિલકત વેરામાં 50 ટકા રાહતની જાહેરાત કરતા ડ્રાફ્ટ બજેટમાં 307 વેરા-યુઝર ચાર્જમાંથી માત્ર 6 કરોડની વેરાની રાહત સુરતીઓને મળી છે.
7848 કરોડના ડ્રાફ્ટ બજેટને મંજૂરી
મનપા કિમશનર દ્વારા રજૂ કરાયેલ વર્ષ 2023-24ના 7707 કરોડના ડ્રાફટ બજેટ અને વર્ષ 2022-23ના રિવાઇસ બજેટ બાબતે સ્થાયી સમિતિ દ્વારા બજેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા યુઝર્સ ચાર્જિસ સહિત મિલકત વેરામાં ઝિંકાયેલ 307 કરોડના વધારાના મુદ્દે સ્થાયી સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાયી સમિતિએ સામાન્ય મિલકત વેરામાં 50 ટકા રાહતની જાહેરાત કરી છે. જોકે, પાલિકા કમિશનરે સુચવેલા વેરામાં મિલ્કત વેરો 12 કરોડનો હતો તેમાંથી 6 કરોડ જેટલી રાહત મળે છે. આ વેરામાં આંશિક રાહત સાથે વર્ષ 2023-24 ના બજેટમાં 141 કરોડના વધારા સાથે 7848 કરોડના ડ્રાફ્ટ બજેટને મંજૂરી આપી છે. કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં રેવન્યુ ખર્ચમાં સ્થાયી સમિતિએ 50 કરોડનો ઘટાડો કર્યો છે જ્યારે કેપીટલ ખર્ચમાં 190 કરોડનો વધારો કરવામા આવ્યો છે.
સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે આપ્યુ આ નિવેદન
સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા સ્થાયી સમિતિની બજેટ બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યુ હતુ કે સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 14 વર્ષના લાંબા સમયગાળા દરમ્યાન રહેણાંક મિલકતના સામાન્ય વેરાના દરમાં કોઈ વધારો કર્યો નથી. રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓની તુલનામાં સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં લેવાતો રહેણાંક મિલકતના સામાન્ય વેરાનો દર સૌથી ઓછો છે. અને વિકાસના કામો અન્ય પાલિકા કરતા સુરત પાલિકા વધુ કરી રહી છે.
આ પણ વાંચો : JEE મેઈન્સનું પરિણામ જાહેર : અમદાવાદના 2 વિધાર્થીઓ 100 ટકા પર્સેન્ટાઈલ મેળવ્યા