ગુજરાતબિઝનેસ

1લી એપ્રિલથી 20 લાખ ભારે કોમર્શિયલ વાહનોનો ફિટનેસ ટેસ્‍ટ : ફેઇલ થશે તો સ્‍ક્રેપ

પ્રદુષણને ચકાસવા માટે અને રસ્‍તાઓ પર ભીડભાડ ઓછી કરવાના હેતુથી 1 એપ્રિલથી 15 વર્ષ જૂના લગભગ 20 લાખ ભારે કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત સ્‍વચાલિત ફિટનેસ ટેસ્‍ટ કરવામાં આવશે. જો એ બે વખત ટેસ્‍ટમાં નિષ્‍ફળ રહેશે તો તેને સ્‍ક્રેપ કરવામાં આવશે. પીએમ નરેન્‍દ્ર મોદીએ ઓગસ્‍ટ 2021માં વાહન સ્‍ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. આ સિવાય લગભગ 5000 રાજય સરકારના વાહનો કે જેઓ 15 વર્ષથી જૂના છે, તેઓ ટેસ્‍ટમાંથી પસાર થયા વિના જ સીધા સ્‍ક્રેપિંગ એકમોમાં જશે. આવતા વર્ષે જૂનથી ભારે અને મધ્‍યમ વાહનો સહિત તમામ કોમર્શિયલ વાહનોએ ફિટનેસ ટેસ્‍ટ આપવો પડશે. જો રાજય ત્‍યાં સુધીમાં 100 ટેસ્‍ટ સ્‍ટેશન સ્‍થાપિત કરે છે તો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્‍ટ એ તમામ વાહનો માટે વધારવામાં આવી શકે છે કે 15 વર્ષનું રજીસ્‍ટ્રેશન સાયકલ પૂરૂ કરી ચૂક્‍યા હશે, એવું સૂત્રોએ જણાવ્‍યું હતું.

2024 સુધીમાં 40 લાખ ભારે અને મધ્‍યમ કોમર્શિયલ વાહનો

એપ્રિલ 2024 સુધીમાં રાજયના માર્ગો પર લગભગ 40 લાખ ભારે અને મધ્‍યમ કોમર્શિયલ વાહનો દોડશે. રાજયમાં રજીસ્‍ટર થયેલાં 2.50 કરોડ વાહનોમાંથી 2021-22ની સામાજિક-આર્થિક સમીક્ષા મુજબ 1.1 કરોડ વાહનો 15 વર્ષ જૂના છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોમાં ખાનગી વાાહનોનો હિસ્‍સો 43 ટકા છે. નવી નીતિ મુજબ, ભારે પરિવહન વાહનોને કમ્‍પ્‍યુટરાઈઝ્‍ડ ઓટોમેટેડ ટેસ્‍ટમાંથી પસાર થયા બાદ પ્રમાણિત કરવામાં આવશે અને તેમના રિપોર્ટ કાર્ડ કોઈ પણ માનવ હસ્‍તક્ષેપ વિના પરિવહન સેવાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.

હાલમાં 4 ઓટોમેટેડ ટેસ્‍ટીંગ સ્‍ટેશન

ગુજરાતમાં માત્ર ચાર ઓટોમેટેડ ટેસ્‍ટીંગ સ્‍ટેશન છે. જે સુરત, મહેસાણા, ભરૂચ અને અમરેલીમાં છે. જો કે, રાજય પાસે મર્યાદિત સંખ્‍યામાં ટેસ્‍ટિંગ સ્‍ટેશન હોવાથી કેન્‍દ્રએ તેમને તમામ કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત ટેસ્‍ટમાંથી ખાનગી વાહનોની છોડી દેવા માટે જણાવ્‍યું છે, જે જૂન 2024માં શરૂ થશે. જો કે, જો ગુજરાત આવા ઓછામાં ઓછા 100 ટેસ્‍ટિંગ સ્‍ટેશનો સ્‍થાપે પછી રાજય ટુ વ્‍હીલર વાહનો માટે ફિટનેસ ટેસ્‍ટનો વિસ્‍તાર પણ કરી શકે છે, એવું પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું.

ગુજરાતમાં વધુ 3 વાહન સ્ક્રેપિંગ સ્ટેશન બનશે

એક વાર અયોગ્‍ય વાહનની નોંધણી રદ્દ થઈ જાય પછી માલિકે તેને રાખવાનું અથવા તેને સ્‍ક્રેપ કરવાનો વિકલ્‍પ પસંદ કરી શકે છે, પરંતુ તેનો ઉપયોગ રસ્‍તા પર કરી શકશે નહીં. એક અધિકારીએ જણાવ્‍યું હતું કે, હાલમાં સર્વિસ સ્‍ટેશનો ધરાવતા શોરૂમ્‍સ કોમર્શિયલ વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપે છે, પછી ભલે ને તે ફિટ ન હોય. રાજયના પરિવહન વિભાગે ખેડામાં બે અને ભાવનગરમાં એક એમ ત્રણ વાહન સ્‍ક્રેપિંગ સુવિધાઓને પહેલેથી જ મંજૂરી આપી છે. દરેક સુવિધા દીઠ આશરે રુપિયા 17 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. દરેક એક એકર જમીન પર બનશે. ટ્રાન્‍સપોર્ટ કમિશનર રાજેશ મંજુએ જણાવ્‍યું હતું કે, અમે કેન્‍દ્ર સરકારની માર્ગદર્શિકાને ધ્‍યાનમાં રાખીને સ્‍ક્રેપિંગ પોલિસી સાથે આગળ વધી રહ્યા છીએ.

Back to top button