અમરેલીનું દુધાળા ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની પોતાના વતનને ભેટ. 4 કરોડના ખર્ચે સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે અને મેકેઈન ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર થશે
અમરેલીના દુધાળામાં ઉદ્યોગપતિ પોતાના ખર્ચે સોલર સિસ્ટમ લગાવી રહ્યા છે
વિનામૂલ્યે સોલર સિસ્ટમ ફિટ કરાશે, 25 વર્ષ સુધી ફાયદો મળશે
ગામના ઘરે ઘરે સોલર પ્લેટ ફિટ કરાશે, 50% કામગીરી પૂર્ણતાના આરે
અમરેલીના દુધાળા ગામના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા તેમના વતનને અનોખી ભેટ આપવામાં આવી રહી છે. તેઓ ગામના દરેક ઘરે સોલર ફિટીંગ કરાવી રહ્યા છે, જેની કામગીરી 50% પૂર્ણતાના આરે છે. જો કે સંપૂર્ણ કામગીરી થઇ ગયા બાદ દુધાળા ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે.
અમરેલી જિલ્લામાં આવેલા લાઠી તાલુકાના દુધાળા ગામના વતની અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા તેમના વતન-ગામને અનોખી ભેટ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તેઓ ગામના ઘરે ઘરે સોલર પ્લેટ ફિટ કરાવી રહ્યા છે. ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ગામ માટે ખરેખર કંઉક કરી છૂટવાની ભાવનાના દર્શન કરાવ્યા છે. તેઓ પોતાના સ્વ ખર્ચે ગામમાં સોલર સિસ્ટમ લગાવી રહ્યા છે જેનાથી ગામ આખાને ખૂબ મોટો ફાયદો થશે.
લાઠીના દુધાળા ગામને મળી ઉદ્યોગપતિની અનોખી ભેટ.ગામમાં 50% ઉપરાંત સોલર ફિટિંગ થઇ ગયા છે. આ ભેટ મળતાં સમસ્ત દુધાળા ગામ ખુશખુશાલ બન્યું છે. ગામમાં દર મહિને જે બિલ આવતું હતું તેનાથી આખા ગામને મોટી રાહત થશે. હાલમાં ગામમાં 50% ઉપરાંત સોલર ફિટિંગ થઇ ગયા છે. જ્યારે દુધાળા ગામમાં 310 જેટલા મકાનો આવેલા છે, જે તમામ મકાનોમાં આ સોલર સુવિધા આપવામાં આવશે. હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી આ કામગીરી કરાઇ રહી છે.
ધોળકીયા પરિવારને આ ભેટ આપવાનો કેવી રીતે વિચાર આવ્યો?
થોડા સમય પહેલા ગોવિંદભાઈ ધોળકિયાને લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કર્યું અને એક નવી જિંદગી મળી હતી. ત્યારે સાજા થયા બાદ વતન માટે કંઈક ભેટ આપવાનું નક્કિ કરાયું હતું. જેમાં તેમના પરિવાર દ્વારા એવું નક્કી કરાયું હતું કે આખા ગામને સોલર સિસ્ટમથી સજ્જ કરવું, જેથી ગામના લોકોને વીજળી બીલથી મોટી રાહત મળી શકે. જેના કારણે ગામમાં સોલર પ્લેટના ફિટિંગની કામગીરી ચાલી રહી છે. હાલ 50% આસપાસ સોલર પ્લેટ નાખવામાં આવી છે, આગામી દિવસોમાં આખું ગામ ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે.
સોલર ફિટીંગની કામગીરી 50% પૂર્ણતાના આરે
ગામના રિદ્ધિ એ જણાવ્યું હતું કે, અમારા ગામમાં ગોવિંદકાકા દ્વારા સોલર ફિટિંગ કરાવ્યા બાદ ખૂબ ફાયદો થયો છે. જેમ કે લાઈટ બિલ આવતું હતું જે આવતા મહિનેથી બંધ થશે, આ સોલર સિસ્ટમ વિનામૂલ્યે ફિટ કરાઇ રહી છે, જેનો અમને 25 વર્ષ સુધી ફાયદો મળવાનો છે.
ગોવિંદભાઇ ધોળકિયાના ભત્રીજા ઈશ્વરભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, અમારા ધોળકિયા પરિવારે પ્લાન કર્યો હતો. જેથી અમે સુરતથી આજે વતન દુધાળા આવ્યા હતા. ગામ આખું ખુશ થઈ ગયું છે, આવતા દોઢ માસમાં આ કામગીરી પૂર્ણ થશે. હાલ કામગીરી ચાલી રહી છે, ગામના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના લોકો ખુશ જોવા મળ્યા છે.