રાજ્યના હવામાનમાં ફરી એક વાર ફેરફાર જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીની અસર જોવા મળી રહી છે ત્યારે દિવસ દરમિયાન તાપમાન વધી જતાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. જેના કારણે બેવડી ઋતુનાથી લોકો પરેશાન થઈ રહ્યો છે. રાજ્યમાં સરેરાશ તાપમાન 14 ડિગ્રી નોંધાયુ છે.
આ તરફ હવામાન વિભાગે પણ આ અંગે આગાહી કરતા જણાવ્યુ કે, ઠંડીનું પ્રમાણ ફેબ્રુઆરી સુધી રહેશે અને માર્ચથી તાપમાનમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતિમ ભાગથી ઠંડીનું પ્રમાણ ઘટતું જશે અને ગરમીનું જોર વધવાનું શરુ થશે. તેમજ આગામી થોડાં દિવસ માટે બેવડી ઋતુનો અનુભવ પણ થતો રહેશે તેવી પણ આગાહી કરી છે.
રવિવારે શહેરોનાં તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 13.1 ડિગ્રી તો નલિયાનું તાપમાન 12 ડિગ્રી જ્યારે રાજકોટ અને વડોદરામાં 14 ડિગ્રીએ તો સુરતમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આ ઉપરાંત ભાવનગરમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ઠંડીમાં ઘટાડો થયો છે. તેમજ તમામ શહેરોમાં તાપમાનનો પારો વધ્યો છે. હવામાન વિભાગે તે પણ જણાવ્યુ હતું કે, રાજ્યનાં કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ શક્યતા સેવવામાં આવી છે.
આ પણ વાંચો : આજથી રાજ્યમાં નવી જંત્રી લાગુ પણ બિલ્ડરોની મુખ્યમંત્રી સાથેની બેઠક પર સૌ કોઈની નજર
આજે દ્વારકા જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ખંભાળિયા તેમજ ભાણવડ પંથકનાં ઘણા વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ છે. હાઈવે પર ગાઢ ધુમ્મસને લીધે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ધુમ્મસના પગલે કચ્છમાં પણ ઠંડી સાવ નહીંવત થઇ જવા પામી હતી. રવિવારે કચ્છમાં સવારે ભારે ઝાકળ વર્ષાનાં પગલે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ લખપત તાલુકાના અનેક સ્થળોએ આહલાદક વાતાવરણ છવાયું હતું.
હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીની આગાહી કરતા જણાવ્યું હતુ કે, “ગુજરાતમાં ત્રણ દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી છે. રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કંઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી. પરંતુ તાપમાન 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. હાલ જે સમય ચાલી રહ્યો છે તેમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે, રાત્રી દરમિયાન પડતી ઠંડીમાં આગામી ત્રણ દિવસમાં ઘટાડો થતો જશે.”
આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યુ હતુ કે, હવે ધીમે-ધીમે રાજ્યમાં ઠંડીના જોરમાં ઘટાડો થવાની આગાહી કરી છે. જેમાં તેમણે માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચી જશે. આ પછી 19 થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શકયતા રહેશે.
આ પણ વાંચો : અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ગુજરાત પ્રવાસે, અમદાવાદમાં ઈલાબેન ભટ્ટને આપી શ્રદ્ધાંજલિ