પાલનપુર: યાત્રાધામ અંબાજી ખાતે મંત્રી ભીખુસિંહ પરમારે માતાજીના દર્શન કર્યા
પાલનપુર: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે. વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
આજે મહા સુદ પૂનમના દિવસે અન્ન અન્ને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી ભીખુસિંહ પરમાર અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા. મંત્રીનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.
અંબાજી મંદિર ખાતે મંત્રીએ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કર્યા હતા અને ત્યારબાદ મંદિરમાં ગર્ભગૃહ માં અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના મહારાજ દ્વારા મંત્રીનું ચુંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ મંત્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પણ વાંચો :Kiara Sidharth Wedding: ફૂલોની સજાવટ, મહેમાનોનું આગમન, આવો છે સૂર્યગઢ પેલેસની અંદરનો નજારો