દેશમાં સૌથી વધુ ખવાતું ધાન્ય ઘઉં છે. જે ઓછામાં ઓછી કિંમતથી પ્રાપ્ત છે. પંજાબ અને હરિયાણા જેવા પ્રાંતો તેના ઉત્પાદનના મુખ્ય મથકો છે. પરંતુ ગતવર્ષે પાકનું ઉત્પાદન ઓછું થવાના લીધે માર્કેટમાં તેની ઓછી આવક જોવા મળી રહી છે. જેના કારણે ઘઉંની કિંમતમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ઉપરાંત ભાવ આસમાને પહોંચતા લોટ ખરીદવો મોંઘો બનતો જાય છે.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે માંગ વધી
આ ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે ઘઉંની માંગમાં વધારો થઈ રહ્યો છે. ભાવ વધવાનું આ બીજું કારણ પણ માની શકાય છે. વધુમાં હાલમાં પૂર્વ ભારતની APMCમાં ઘઉંનો સ્ટોક ખુબ જ ઓછો જોવા મળી રહ્યો છે.
ઘઉંના ભાવમાં 16 ટકા જેટલો વધારો
એક રિપોર્ટ અનુસાર વર્ષભરમાં ઘઉંના ભાવ 16 ટકા વધ્યો છે અને હવે દેશના કેટલાક રાજ્યોમાં પ્રતિ ક્વિન્ટલ ઘઉંના ભાવ રૂપિયા 3000ને પાર થયા છે. દિલ્હીમાં પ્રતિ ક્વિટર ઘઉંની કિંમત રૂ.3,044.50 પર પહોંચી ગઈ છે. તો ઉત્તર પ્રદેશમાં ઘઉંની કિંમત 3000 પ્રતિ ક્વિન્ટરને પાર પહોંચી ગઈ છે. ઘઉંનો સપ્લાય ઘટતા કિંમતોમાં વધારો થવાનું યથાવત્ છે. સરકાર દ્વારા ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ કિંમત સ્પષ્ટ ન હોવાથી પણ ઘઉંની કિંમતો વધી રહી છે. ઘઉંની કિંમતો વધવાના કારણે ઘઉંના લોટનો ભાવ પણ વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં લોટનો ભાવમાં 19 ટકા જેટલો વધારો થતાં 35થી 40 રૂપિયે કિલો મળી રહ્યો છે.