ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હાર્દિક પટેલે કેસરિયો ધારણ કરી કહ્યું, મોદીજીના સૈનિક તરીકે કામ કરીશ

Text To Speech

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને આખરે હવે ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાર્દિકને ખેસરિયો ખેસ પહેરાવ્યો હતો, તો નીતિન પટેલે હાર્દિકને ટોપી પહેરાવી હતી. બીજેપીમાં સામેલ થયા પહેલા હાર્દિક પટેલે પોતાના ઘરે પૂજા કરી હતી. જે બાદમાં હાર્દિક પટેલ SGVP ગુરુકુળ પહોંચ્યા હતા. અહીં તેમણે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો. જ્યારે બીજી તરફ હાર્દિક પટેલને આવકારવા માટે બીજેપીના હેડ ક્વાર્ટર ખાતે ખાસ તૈયાર કરવામાં આવી હતી.

હાર્દિક પટેલનું ટ્વિટ
બીજેપીમાં સામેલ થયા પહેલા હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરી હાર્દિક પટેલે કહ્યું હતુ કે, “રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજહિતની ભાવના સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ.”

મને પદની લાલચ નથી
હાર્દિકે કહ્યું કે, મેં આજદિન સુધી પદના લોભમાં ક્યાંય કોઈ પ્રકારની માંગણી કરી નથી. મેં કોંગ્રેસને પણ કામ માંગીને છોડી અને ભાજપમાં પણ કામ કરવાના ઉદેશ્ય સાથે જોડાઈ રહ્યો છું. નબળા લોકો સ્થાન વિશે ચિંતા કરે છે, મજબૂત લોકો ક્યારેય સ્થાનની ચિંતા કરતા નથી.

Image

આ બેઠકો પરથી ચૂંટણી લડવાની અટકળો
એવું કહેવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પટેલ આગામી વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર છે. હાર્દિક સૌરાષ્ટ્રની મોરબી અથવા અમદાવાદ જિલ્લાના તેના મૂળ ગામ વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. તેમણે ભાજપમાંથી ચૂંટણી લડવાનો સંકેત પણ આપ્યો હતો.

17 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે 17 મેના રોજ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ છોડતી વખતે હાર્દિકે કહ્યું હતું કે, મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતની જનતા આવકારશે. હું માનું છું કે, મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.

Back to top button