રાજ્યમાં જંત્રીનો દર બમણો કરવાની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. આગામી સોમવારથી જ આ નવો દર રાજ્યભરમાં લાગુ પડી જશે અને આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2011માં જંત્રીના દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો અને હવે 12 વર્ષ પછી તેમાં વધારો કરવાની વિચારણા સરકારે હાથ ધરી હતી જેની આજે અમલવારી કરી દેવામાં આવી છે.
હાલમાં એડહોક ધોરણે નવી જંત્રી અમલમાં રહેશે ત્યારબાદ રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રાખી સર્વે પૂર્ણ થયા બાદ નબી જંત્રી અમલમાં આવશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં જંત્રીના દરોમાં સુધારો કરવાની ભલામણ કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી હોવાથી સરકારે તેના પર વિચાર કર્યો ન હતો પરંતુ હવે રેવન્યુ વધારવા અને જમીનના ભાવમાં અસમાનતા દૂર કરવા જંત્રીના ભાવમાં સુધારો કરવાની ભલામણ પર વિચારણા કરી તેનો અમલ કરી દીધો છે.
કોરોના સંક્રમણના બે વર્ષ પછી રિયલ એસ્ટેટમાં તેજી આવી રહી છે. રાજ્યના મહાનગરો અને શહેરોમાં વિકાસ પણ થઇ રહ્યો છે. 2011માં જંત્રીના દરોમાં વધારો કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારપછી મિલકતના બજારભાવ અનેકગણા વધી ગયા છે તેથી આ દરોમાં વધારો કરવો આવશ્યક બન્યો છે. જો કે જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે, જેમ કે જમીન અને મિલકતનો પ્રકાર, પ્રોપર્ટીનો વિસ્તાર, પ્રોપર્ટીની બજાર કિંમત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને લોકોલિટીને આધાર બનાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપની વિજય રૂપાણીની સરકારે પણ 2019માં જંત્રીના દરોમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ રાજકીય દબાણને કારણે તેઓ નિર્ણય લઇ શક્યા ન હતા. એ સમયે મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ સહિત સબંધિત વિભાગોના અધિકારીઓએ 2011ની જંત્રીના દરોમાં 20 થી 40 ટકા સુધીનો વધારો સૂચવ્યો હતો. જો કે આ દરો માટે બનાવવામાં આવેલા ડ્રાફ્ટને લાગુ કરી શકાયો નથી.