રાજ્ય આરોગ્યસેવાઓ અને માળખાકીય સુવિધાઓને ગુણવત્તાયુક્ત બનાવવાની સરકારની નેમ છે. જેને રાષ્ટ્રીય સ્તરે પણ આવકારવામાં આવી છે. રાજ્યની 8 આરોગ્ય સંસ્થાઓ(પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો) ને તાજેતરમાં રાષ્ટ્રીય NQAS(નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ) દ્વારા ગુણવત્તા માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
જેમાં બનાસકાંઠા જિલ્લાનું રતનપુર પી.એચ.સી., અમરેલી જિલ્લાનું તોરી પી.એચ.સી, વલસાડ જિલ્લાના વાંકલ, સરાઇ અને વાતર પી.એચ.સી.,ખેડા જિલ્લાનું અલીના , તાપી જિલ્લાનું માયપુર અને અમદાવાદના રૂડાતલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQASના ગુણવત્તા માટેના માપદંડોમાં 70 થી વધુનો સ્કોર પ્રાપ્ત થયો છે. જેના માટે આ તમામ 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને NQAS પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. વધુમાં મહિસાગર જિલ્લાનું ધોકેલાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWCs) NQAS પ્રમાણિત સમગ્ર દેશનું પ્રથમ સેન્ટર બન્યું છે.
આમ હવે કુલ 252 આરોગ્ય સંસ્થાઓ NQAS પ્રમાણિત સંસ્થા બની છે. આરોગ્ય સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સેવા સુવિધાઓ માટે આ પ્રમાણપત્ર મેળવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. NQAS દ્વારા હેલ્થકેર સંસ્થાઓમાં સર્વિસ ડિલિવરીમાં ગુણવત્તાના ઘોરણોને સુધારવામાં હંમેશા યોગદાન આપીને દર્દી કેન્દ્રિત ગુણવત્તા સુધારણાના ટકાઉ મોડેલ માટે મોકળો માર્ગ કર્યો છે.
આ પણ વાંચો : World Cancer Day : બલ્ડ કેન્સરની સારવાર લેતા દર્દીને ડૉક્ટર બનાવી આ રીતે આરોગ્ય મંત્રી વધાર્યું મનોબળ
અત્રે નોંધનીય છે કે, ભારત સરકારે માળખાકીય સેવાઓ માટે ગુણવત્તાના માપદંડો નક્કી કર્યા છે. જેમાં દર્દી વિષયક સુવિધાઓ, માળખાકીય સેવાઓ અને સારવાર પદ્ધતિ માટે માપદંડો નક્કી કરવામાં આવે છે. કેન્દ્રીય ટીમ વિવિધ સંસ્થાઓની મુલાકાત લઇને આ માપદંડોના આધારે સ્કોર નક્કી કરે છે. જેના અંતર્ગત 70 ટકા થી ઉપરનો સ્કોર પ્રાપ્ત કરનાર સંસ્થાને NQAS નું પ્રમાણપત્ર એનાયત થાય છે.
તાજેતરમાં મળેલ 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માતૃત્વ અને નવજાત શિશુના રોગ અને મૃત્યુદરમાં ઘટાડો કરવો તેમજ સંસ્થા સ્તરે આરોગ્ય સંભાળ, કર્મચારીઓ દ્વારા ચેપી રોગોની રોકથામ અને નિયંત્રણ પદ્ધતિઓનું પાલન સુનિશ્ચિત કરીને હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ, ઉપકરણો થકી દર્દીઓમાં ચેપમાં ઘટાડો કરવામાં આવ્યો છે.