એક ટેલિવિઝન ન્યૂઝ ચેનલ પર ચર્ચા દરમિયાન મોહમ્મદ પયગંબર વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ભાજપના પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ મહારાષ્ટ્રના પુણેમાં FIR દાખલ કરવામાં આવી છે.પોલીસે આ જાણકારી આપી. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કાઉન્સિલર અબ્દુલ ગફૂર પઠાણની ફરિયાદ પર મંગળવારે કોંધવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
અબ્દુલ ગફૂર પઠાણની ફરિયાદ પર FIR
એક પોલીસ અધિકારીએ કહ્યું, “આ FIR અબ્દુલ ગફૂર પઠાણના નિવેદનના આધારે નોંધવામાં આવી છે. તેમના નિવેદન મુજબ, 28 મેના રોજ, તેમને જ્ઞાનવાપી મસ્જિદ અંગેની ચર્ચા સંબંધિત વોટ્સએપ પર ન્યૂઝ ચેનલની એક લિંક મળી હતી, જેમાં નુપુર શર્માએ પણ ભાગ લીધો હતો. પઠાણે કહ્યું કે પ્રોફેટ મોહમ્મદ અને તેની પત્ની વિશે નુપુર શર્માની ટિપ્પણી જોઈને તે દુઃખી થયો હતો.
આ ઉપરાંત પઠાણે દાવો કર્યો હતો કે પોલીસે શરૂઆતમાં FIR નોંધવામાં અનિચ્છા દર્શાવી હતી, પરંતુ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને અન્ય જૂથો સહિત વિવિધ મુસ્લિમ સંગઠનોના પ્રયાસોથી FIR નોંધવામાં આવી છે. તેમને વધુમાં કહ્યું કે શર્માની ધરપકડ ન થાય ત્યાં સુધી અમે પોલીસ સાથે વાત કરીશું. મુંબઈ પોલીસે તાજેતરમાં શર્મા વિરુદ્ધ આવો જ બીજો કેસ નોંધ્યો છે.
રેપ અને માથું કાપી નાખવાની ધમકી મળે છે
આ મામલા પછી નુપુર શર્માએ ટ્વિટર પર જણાવ્યું કે તેને સોશિયલ મીડિયા પર સતત બળાત્કાર અને ગળું કાપવાની ધમકીઓ મળી રહી છે. દિલ્હી પોલીસ કમિશનરને ટેગ કરતાં નૂપુરે ટ્વીટ કર્યું અને લખ્યું કે તેની માતા, બહેન અને પિતાને જાનથી મારી નાખવાની અને શિરચ્છેદ કરવાની ધમકીઓ મળી રહી છે.