આર્થિક મદદ આપવા માટે IMF એ પાકિસ્તાનને ઘૂંટણીયે પાડી દીધું, PM શેહબાઝ પણ થાક્યા
પાકિસ્તાનની આર્થીક પરિસ્થિતિ દિવસે દિવસે કથળતી જાય છે ત્યારે હાલ તેની પાસે ડિફોલ્ટથી બચવા માટે એક જ રસ્તો બચ્યો છે અને તે છે – ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની મદદ. પાકિસ્તાન બેલઆઉટ પેકેજ પર IMF સાથે વાત કરી રહ્યું છે પરંતુ તેની કડક શરતોએ પાકિસ્તાનની હાલત ખરાબ કરી દીધી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે શુક્રવારે કહ્યું હતું કે IMFની શરતોને પહોંચી વળવા માટે પાકિસ્તાન જે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે તે કલ્પનાની બહાર છે. તેમણે કહ્યું કે દેશના નાણાપ્રધાન ઈશાક ડાર અને તેમની ટીમ એવી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે.
IMFની કેટલીક શરતો લાગુ કર્યા બાદ મોંઘવારીમાં વધારો થયો
IMFની એક ટીમ આ અઠવાડિયે મંગળવારે પાકિસ્તાન પહોંચી હતી, જે 7 બિલિયન ડોલર લોન પ્રોગ્રામમાં પાકિસ્તાનને સામેલ કરવા માટે તેની નવમી સમીક્ષા બેઠકનું આયોજન કરી રહી છે. કાર્યક્રમની શરતોને લાગુ કરવા માટે ટીમ પાકિસ્તાનના નાણામંત્રી અને તેમની ટીમ સાથે 9 ફેબ્રુઆરી સુધી વાત કરશે. IMFની કેટલીક શરતો લાગુ કર્યા બાદ પાકિસ્તાનમાં મોંઘવારી વધુ વધી છે અને રૂપિયો ઐતિહાસિક રીતે તૂટ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં 16% અને રાંધણ ગેસના ભાવમાં 30%નો વધારો કરવામાં આવ્યો છે.
IMF બેલઆઉટ પેકેજ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી
શાહબાઝ શરીફ IMFની સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે દેશ પાસે IMF બેલઆઉટ પેકેજ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી, તેથી તેઓ આ કાર્યક્રમને મંજૂરી આપવાની પ્રક્રિયા અપનાવી રહ્યા છે. જો દેશ IMF પ્રોગ્રામ નહીં અપનાવે તો તે ડિફોલ્ટ થઈ જશે. પોતાની સ્થિતિનું વર્ણન કરતાં તેમણે શુક્રવારે કહ્યું, ‘આ સમયે અમારો આર્થિક પડકાર અકલ્પનીય છે. IMF સમીક્ષા પૂર્ણ કરવા માટે આપણે જે શરતો પૂરી કરવી પડશે તે કલ્પના બહારની છે.
પાકિસ્તાનનું ફોરેક્સ રિઝર્વ વર્ષોના સૌથી નીચા સ્તરે છે
પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી ઘટી રહ્યો છે. પાકિસ્તાને તાજેતરમાં વિદેશી દેવાના હપ્તાની ચૂકવણી કરી છે જેના કારણે દેશની વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 3.09 બિલિયન ડોલર થઈ ગયો છે. આટલા પૈસાથી પાકિસ્તાન માત્ર 18 દિવસ માટે જ આયાત કરી શકશે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર 2014 પછી સૌથી નીચા સ્તરે છે. જો પાકિસ્તાન IMFની તમામ શરતો સ્વીકારીને તેનું બેલઆઉટ પેકેજ જલ્દી નહીં મેળવે તો તે ડિફોલ્ટ થઈ જશે.
IMF પેકેજ એ રામબાણ ઉપાય નથી
પાકિસ્તાનના નિષ્ણાતો કહે છે કે IMF પેકેજ પાકિસ્તાનને અત્યારે ડિફોલ્ટથી બચાવી શકે છે, પરંતુ તે પાકિસ્તાનની તમામ સમસ્યાઓનો ઉકેલ નથી. નિષ્ણાતો કહે છે કે IMF પેકેજ એ રામબાણ ઉપાય નથી જે પાકિસ્તાનની તમામ સમસ્યાઓનો અંત લાવે, પરંતુ પાકિસ્તાનની બિમાર અર્થવ્યવસ્થાને ઠીક કરવા માટે વધુ મજબૂત સુધારાની જરૂર છે. પાકિસ્તાનના અખબાર ડોનના અહેવાલ અનુસાર, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (એસબીપી)ના પૂર્વ કાર્યવાહક ગવર્નર મુર્તઝા સૈયદે કહ્યું કે IMF ટીમની પાકિસ્તાન મુલાકાતથી એવી આશા જાગી છે કે પાકિસ્તાન ડિફોલ્ટથી બચી શકશે.