વાસ્તુ પ્રમાણે બનાવજો ઘરનો મુખ્ય દરવાજોઃ ક્યારેય નહીં પડે પૈસાની તંગી
કોઇ પણ ઘર માટે ઘરના મેઇન ગેટનું વિશેષ મહત્ત્વ હોય છે. ઘરના મુખ્ય દ્વારને જોઇને લોકોની રહેણી કરણી, તેમના વ્યક્તિત્વ અંગે જાણ થઇ શકે છે. જો ઘરનો મુખ્ય દરવાજો સાફ સુથરો સુવ્યવસ્થિત અને સુસજ્જ હોય તો તેનો પ્રભાવ ઘરમાં આવનારા લોકો પર પણ પડે છે. તેનાથી એક સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. મુખ્ય દ્વાર માત્ર આવવા જવા માટે જ અગત્યનો નથી, પરંતુ આપણા ભાગ્ય અને સુખ સમૃદ્ધિના આગમનનું પણ દ્વાર હોય છે. જો તેમાં કોઇ દોષ હશે તો આપણી આર્થિક સફળતા, ઉન્નતિ, જીવનમાં મળનારી સુખ-સુવિધા ઘટશે અને તેમાં કોઇ રુકાવટ કે અડચણ આવશે.
દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ સંપતિ, વિકાસ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય મેળવવા ઇચ્છે છે અને તેના માટે સતત પ્રયત્નો પણ કરે છે. તેમ છતાં પણ ક્યારેક આપણને લાગે છે કે આપણે અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યા છીએ. આપણા જીવનમાં આવનારી પરેશાનીઓ માટે વાસ્તુ દોષ પણ જવાબદાર હોય છે. તે જિંદગી પર નેગેટિવ કે પોઝીટીવ અસર કરે છે. ઘરના મુખ્ય દરવાજા સંબંધિત કેટલીક વાસ્તુ ટિપ્સ પણ જાણો. જે અપનાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.
- શુભ ફળ મેળવવા ઘરના ઉત્તર કે પુર્વમાં મુખ્ય દ્વાર બનાવો
- ઘરનો મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતા મોટો હોવો જોઇએ
- ઘરની સામે કોઇ અવરોધ ન હોવો જોઇએ. ઝાડ, પિલર, બિલ્ડિંગ, પાણીની ટાંકી, ખાડો કે જર્જરિત ઇમારત ન હોવી જોઇએ.
- ધ્યાન રાખો પ્રવેશ દ્વાર પર કોઇ છિદ્ર કે તિરાડ ન હોવા જોઇએ. જો એમ હોય તો ઝડપથી તેને ઠીક કરાવી લો
- મુખ્ય દરવાજાની લંબાઇ તેની પહોળાઇ કરતા બેગણી હોવી જોઇએ. ઘરમાં રેખા અથવા તો ઉમરો જરૂર હોવો જોઇએ, નહિ તો આર્થિક તંગી આવી શકે છે.
- ઘરનો મુખ્ય દરવાજો હંમેશા અંદરની બાજુ ખુલવો જોઇએ. ઘરનો દરવાજો બહાર ખુલતો હોય તો આર્થિક હાનિ થાય છે.
- ઘરના મુખ્ય દ્વારને આકર્ષક બનાવીને રાખો. તોરણ લગાવો. મુખ્ય દ્વાર પર સ્વસ્તિક, ઓમ કે કોઇ શુભ ચિહ્ન બનાવો
- ઘરના મુખ્ય દ્વાર સામે તુલસી કે કેળાનો છોડ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે.
- ઘરના દ્વાર પર ઘંટીઓની ઝાલર લગાવો, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી.
- મુખ્ય દ્વાર પર ક્રિસ્ટલ બોલ લગાવો. તેનાથી પણ નકારાત્મકતા દુર થાય છે.
- ઘરના દરવાજા ખોલતી કે બંધ કરતી વખતે તેમાં કોઇ અવાજ ન આવવો જોઇએ. તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે.
આ પણ વાંચોઃ “કલરવની કંકોત્રી” લગ્નમાં ખોટા ખર્ચાઓ બંદ કરી ” એક કદમ જીવદયા અને પ્રકૃતિના જતન તરફ” ની અનોખી પહેલ