ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: લાશનું રહસ્ય પોસ્ટ મોર્ટમથી ખુલ્યું, નાંદલામાં પ્રેમલગ્ન કરી લાવેલી પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો હતો

પાલનપુર: લાખણી તાલુકાના નાંદલા ગામેથી વિકૃત રીતે દાઝી ગયેલી યુવકની લાશ મળી હતી. જેનું અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવતાં તે દિયોદર તાલુકાના નોખા ગામના યુવકની હોવાનું તથા તેની આત્મહત્યા નહીં પરંતુ હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તારણમાં આવતાં મૃતકના ભાઈએ મૃતકની પત્ની તથા તેના પ્રેમી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બંનેને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

નાંદલા ગામે બે દિવસ અગાઉ બળી ગયેલી હાલતમાં લાશ મળેલી

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાંદલા ગામે પીરાભાઈ રૂપાજી પટેલ ના ગામમાં આવેલા વાડાવાળા રહેણાંક મકાનના રસોડાની બાજુમાં યુવકની બળી ગયેલી હાલતમાં લાશ મળી હતી. જે લાશ એટલી વિકૃત રીતે દાઝી ગયેલી હોવાથી તેની ઓળખ થઈ શકતી નહોતી. જેથી નાંદલા ગામે બોરની સબમર્સિબલ મોટર બાંધવાનું કામ કરતા યુવકની લાશ હોવાનું અનુમાન જતાં યુવકના પરિવારને જાણ કરવામાં આવી હતી. પરંતુ પરિવારજનો પણ લાશ જોઈ ઓળખી શક્યા નહોતા. જેથી પરિવારજનોએ ઓળખ માટેના નિશાન આપતાં પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવવા માટે અમદાવાદ સિવિલ ખાતે લઈ ગયા હતા. જ્યાં મૃતકના પરિવારજનોએ આપેલ નિશાન મળતાં તે મૃતક દિયોદર તાલુકાના નોખા ગામનો પ્રેમાભાઈ નાનજીભાઈ પટેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ડેડ બોડી મૃતકના પરિવારજનો ને સોપી હતી.

હત્યા-humdekhengenews

તેમજ પોસ્ટ મોર્ટમ રિપોર્ટના પ્રાથમિક તારણ મુજબ મૃતકની આત્મહત્યા નહિ પણ હત્યા હોવાનું તેમજ તેને પ્લાસ્ટિક, કોથળા તેમજ ગોદડા જેવા પદાર્થોની મદદ લઈ સળગાવવામાં આવ્યો હોવાનું જણાતાં મૃતકના ભાઈને શક જતાં કેટલાક સમયથી મૃતકની પત્ની મૈત્રી કરારથી તેના પ્રેમી સાથે રહેવા જતી રહી તેમજ મૃતક સાથે ઝઘડા કરતી હોવાથી તેમજ ધાનેરા ગામની મૃતક ની પત્ની પુનમબેન તથા થરાદ તાલુકાના રાહ ગામનો તેનો પ્રેમી દેવાભાઈ વેલાભાઈ પટેલ બંને નો મોબાઇલ ફોન પણ બંધ આવતો હોવાથી બંને વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે આ બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતકના પગમાં પ્લેટ હોવાથી થઈ ઓળખ

પોલીસે ત્યાં કામ કરતા યુવકના પરિવારજનોને બોલાવી કોઈ નિશાન આપવા જણાવતાં મૃતકના ભાઇએ જણાવેલ કે અમારા ભાઈને અંદાજે 17 થી 18 વર્ષ પહેલા ડાબા પગે ફ્રેક્ચર થયું હતું. તે સમયે પગમાં પ્લેટ મુકાવી હતી. જે પ્લેટ પોસ્ટ મોર્ટમ દરમિયાન ડાબા પગમાંથી મળી આવતાં મૃતક પ્રેમાભાઈ નાનજીભાઈ પટેલ હોવાનું પરિવાર જનોએ સ્વીકાર્યું હતું અને લાશનો કબજો લીધો હતો.

હત્યા થયાનું પ્રાથમિક તારણ

નાંદલા ગામેથી બળી ગયેલી હાલતમાં મળેલી લાશમાં મોટું રહસ્ય હત્યા છે કે આત્મહત્યા તે હતું. જે બાબતે પોલીસે તથા પરિવારજનોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવતાં યુવકને પહેલા બેહોશ કરવામાં આવ્યા બાદ તેને સળગાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. જેના આધારે મૃતકના ભાઈએ મૃતક ની પત્ની તેમજ તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પ્રેમ લગ્ન મૃતક સાથે, પત્ની રહેતી પ્રેમી સાથે

મૃતક પ્રેમાભાઈએ રાજસ્થાની ની યુવતી પુનમબેન વજીર સાથે પ્રેમ લગ્ન કરી ધાનેરા ખાતે રહેતા હતા. ત્યારબાદ તેમની પત્નીને અન્ય યુવક દેવાભાઈ સાથે મિત્રતા થતાં બંને મૈત્રી કરારથી સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ પ્રેમાભાઈ અવાર નવાર ફોન કરતાં હોવાથી તેમની દખલગીરી કાયમી માટે બંધ થાય તે હેતુથી તેમની હત્યા કરી દીધી હતી.

માતાની પ્રેમલીલાથી બે બાળકો બન્યા નોંધારા

પ્રેમાભાઈના પૂનમબેનના લગ્ન સંસારથી તેઓને સાત વર્ષનો પુત્ર હરેશ અને પાંચ વર્ષની પુત્રી સંગીતા હતી. પરંતુ મૃતકની પત્નીની પ્રેમલીલા થી તેને પોતાના પ્રેમી સાથે મળી પતિને સળગાવીને મારી નાખતા અને આ હત્યામાં પોતે ગુનેગાર હોવાનું ખુલતા અત્યારે બંને માસૂમ બાળકોને માતા – પિતા વગર નોંધારા બનવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો :અમેરિકામાં જોવા મળ્યાં ચીનના જાસૂસી બલૂન, પેન્ટાગોન થયું હાઇ એલર્ટ

Back to top button